ઓનલાઇન પેમેન્ટ કરવામાં ધ્યાન રાખજો

હાઇટેક જમાનામાં ઇન્ટરનેટ એ સમયની તાતી જરૂરિયાત છે. ત્યારે આ માધ્યમના અનેક ફાયદાઓ છે તો કેટલાંક નુકસાન પણ છે. પ્રવર્તમાન સમયમાં મનુષ્ય દરેક નાની-મોટી વાતોમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. કહેવાય છે કે જેટલી સગવડ વધારે એટલાં નુકસાનની પણ સંભાવના વધારે હોય છે. આજના ઇન્ટરનેટ યુગમાં લોકો છાશવારે સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. કોઈ મોબાઈલ એપ્લિકેશનથી છેતરપિંડીનો ભોગ બને છે, તો કોઈ ફિશિંગ વેબસાઇટનો શિકાર બને છે. આ ફિશિંગ એટેક શુ છે? કઈ રીતે લોકો એનો ભોગ બને છે? કઈ રીતે બચી શકાય? ફિશિંગ એટેકથી બચવા માટે શું કરવું જોઈએ અને શું નહીં? આ સહિતના દરેક મુદ્દે જાગૃત્તિ આવે એ ઉદ્દેશથી દિવ્ય ભાસ્કરે સાયબર એક્સપર્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.

શું છે ફિશિંગ એટેક?
ફિશિંગ ટેક્નિક એવી હોય છે જેની મદદથી ઓરિજિનલ વેબસાઈટ પરથી ડેટા ચોરી કરીને આબેહૂબ અન્ય ફ્રોડ ફિશિંગ વેબસાઈટ બનાવી લોકોને છેતરવામાં આવતા હોય છે. આ વેબસાઈટ તમને ઓરિજિનલ વેબસાઈટ જેવી જ લાગતી હોય છે, જેથી લોકો છેતરાતા હોય છે. ફિશિંગ એટેક એવા પ્રકારનો એટેક છે, જેમાં ઓરિજિનલ વેબસાઈટમાં એના URL બદલીને નવું ડોમેન રજિસ્ટર કરીને કે સબ ડોમેન લઈને લિંક પ્રસારિત કરે છે. આ સાયબર ઠગો કોઈ ખાસ હોસ્ટિંગ સાઇટ પર અપલોડ નથી કરતા, પરંતુ તેઓ ચાઇના બેઝ સર્વર પર ડેટા અપલોડ કરતા હોય છે. વેબસાઈટ અપલોડ કરી એને ડેટાબેઝ લિંકના માધ્યમથી સોશિયલ મીડિયા પર પ્રસારિત કરે છે.

કોઈપણ લિંક આવે તો ચકાસ્યા વગર ક્લિક ન કરવું જોઈએ
ફિશિંગ એટેક અંગે વધુ માહિતી આપતાં સાયબર એક્સપર્ટ મયૂર ભુસાવલકરે જણાવ્યું હતું કે હાલમાં ખાનગી કંપનીના નામે વસ્તુને મફતમાં આપવાના નામે સ્કેમ ચાલી રહ્યો છે. કોઈપણ લિંક આવે તો એની તપાસ કર્યા વગર ક્લિક ન કરવું જોઈએ અને લિંક પર ક્લિક થઈ જાય તો એ મોબાઈલના ડેટા ચોરી લે છે તો આ કિસ્સામાં મોબાઈલને ફેક્ટરી રિસેટ મારવો પડે છે. હાલમાં ખાનગી કંપનીના નામથી ફિશિંગ, સ્પાયવેર અને માર્વેલના પ્રકારનો ઘાતક એટેક કરવામાં આવી રહ્યો છે. આવી કોઈપણ લિંક આપણી પાસે આવે તો એની તપાસ કર્યા વગર અન્ય કોઈપણ વ્યક્તિને શેર ન કરવી જોઈએ.

Leave a comment

Trending