ડોક્ટર પાસેથી સારવાર લઈને દર્દી પરત આવે, ત્યારે એવી લાગણી અનુભવે છે કે અરે.! હજુ બીજી જાણકારી લેવી હતી, પણ પૂછવાનું જ રહી ગયું. આવું લગભગ દરેક સાથે થતું હોય છે, તેથી તબીબ પાસે સારવાર લેવા જતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી દર્દી અને તબીબ બન્નેને સુવિધા રહે છે અને દુવિધા દૂર થાય છે.
જી.કે.જનરલ અદાણી હોસ્પીટલના ચીફ મેડી. સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીએ આ અંગે દર્દીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે, સૌપ્રથમ તો દર્દીએ પોતાને જે થતું હોય તેના લક્ષણો ડોક્ટરને સ્પષ્ટ બતાવવા જોઈએ. ઘણીવાર બધું યાદ ન રહે તો એક નોંધ બનાવીને ડોક્ટર પાસે જવું જોઈએ. અગર જો ભૂતકાળમાં અન્ય ડોક્ટરની સારવાર લીધી હોય તો એ પણ જાણકારી તબીબને આપવી જોઈએ. કેટલીકવાર પીડિત વ્યક્તિ ચોક્કસ સમસ્યા અંગે સવાલ પૂછતા હિચકિચાટ અનુભવે છે, ત્યારે ડોક્ટર પાસે કાંઈ પણ છુપાવવું જોઈએ નહીં, કોઈ વ્યસન હોય તો પણ કહી દેવું આવશ્યક છે.
આ ઉપરાંત જો ખાસ પ્રકારના રિપોર્ટ કરાવ્યા હોય તો ચોક્કસ પણે તબીબને બતાવવા જોઈએ, જેથી ડોક્ટરને દર્દીની બીમારીના ઇતિહાસનો અંદાજ આવી શકે. ડોક્ટરને જો દર્દી પોતાનો અને પરિવારનો મેડિકલ ઇતિહાસ કહેતો ડોક્ટરને સારવાર માટે વધુ સગવડ રહે છે. દવાની સંપૂર્ણ જાણકારી જેમ કે, કોઈ દવા લેતા હો અથવા બંધ કરી હોય અને નવી દવા શરૂ કરવાની હોય તો તેની આડઅસર વિગેરેની સંપૂર્ણ જાણકારી આપવી જોઈએ.કોઈ દવાની એલર્જી હોય તો પણ તબીબને વાકેફ કરવા જોઈએ.
ડો. હિરાણીએ કહ્યું કે,સોશિયલ મીડિયા મારફત દર્દીઓ જ્ઞાન પ્રાપ્ત કરે છે, પરંતુ એ માહિતી જનરલ હોય છે, વ્યક્તિગત તાસીર જુદી હોવાથી તબીબો ઉપર ભરોસો કરી સારવાર લેવી જરૂરી છે.
જો મનમાં કોઈ પણ સંદેહ કે શંકા હોય તો ડોક્ટરને પૂછીને સ્પષ્ટતા કરવી જોઈએ. ડોક્ટરને કોઈપણ ટેસ્ટ માટે પૂછી શકાય તો વધુ યોગ્ય રહે છે અને ફોલોઅપ માટેની માહિતી પણ લેવી જરૂરી છે. દર્દી ચેકઅપ માટે જાય અને ગંભીર બીમારી હોય તો એક વ્યક્તિને સાથે લઈને જવી હિતાવહ છે.
જેમની પાસે મા કાર્ડ કે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હોય તો તેની જાણકારી પણ તબીબને આપવી જોઈએ અગર તો એ અંગે વિશેષ જાણકારી મેળવી લેવી જોઈએ.






Leave a comment