વન નેશન વન ઈલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણીને લઈને 8 સભ્યોની કમિટીની પહેલી બેઠક થોડા સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ બેઠક સમિતિના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નિવાસસ્થાને થઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલ બેઠક માટે પહોંચ્યા છે.
સમિતિમાં કોવિંદ સિવાય ગૃહમંત્રી અમિત શાહ સહિત 7 સભ્યો સામેલ થશે, જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી પહેલાં જ આ સમિતિમાં કામ કરવાની ના પાડી ચૂક્યા છે.
કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદની અધ્યક્ષતામાં 2 સપ્ટેમ્બરના રોજ એક સમિતિ બનાવી. તેમાં ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચોધરી અને પૂર્વ સાંસદ ગુલામ નબી આઝાદ સહિત 8 મેમ્બર સિલેક્ટ કરવામાં આવ્યા. કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાલ સમિતિની મિટિંગમાં સ્પેશિયલ મેમ્બર તરીકે સામેલ થશે.
સરકાર એક દેશ, એક ચૂંટણી પર બિલ લાવી શકે છે
સરકારે 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એવી અટકળો છે કે સરકાર એક દેશ, એક ચૂંટણી પર બિલ લાવી શકે છે. આ પહેલાં કાયદા મંત્રાલયે એક કમિટી બનાવી છે. તેનો હેતુ કાયદાના હાલના માળખાને ધ્યાનમાં રાખીને દેશમાં એકસાથે ચૂંટણી યોજવાની તપાસ કરવાનો છે. જેમાં લોકસભા, વિધાનસભા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી એકસાથે યોજી શકાય કે કેમ તેની તપાસ કરવામાં આવશે.
આઝાદી બાદ વન નેશન, વન ઈલેક્શન લાગુ કરવામાં આવ્યું હતું
વન નેશન, વન ઈલેક્શન અથવા એક દેશ-એક ચૂંટણીનો અર્થ એ છે કે આખા દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. આઝાદી પછી, 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં ઘણી વિધાનસભાઓ સમય પહેલાં જ ભંગ થઈ ગઈ હતી. જે બાદ 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ.
વન નેશન, વન ઇલેક્શનના સમર્થનમાં પીએમ મોદી
મે 2014માં જ્યારે કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવી ત્યારે તરત જ એક દેશ અને એક ચૂંટણીની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીએ પોતે અનેકવાર વન નેશન, વન ઈલેક્શનની હિમાયત કરી છે. એક વખત બંધારણ દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું – આજે એક રાષ્ટ્ર-એક ચૂંટણી માત્ર ચર્ચાનો વિષય નથી. આ ભારતની જરૂરિયાત છે. તેથી, આ મુદ્દાની સંપૂર્ણ ચર્ચા અને અભ્યાસ થવો જોઈએ.
એક દેશ, એક ચૂંટણી પર વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયા…
1. રાહુલે કહ્યું- વન નેશન-વન ઇલેક્શનનો વિચાર કેન્દ્ર અને રાજ્યો પર હુમલો છે
- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ X (જે પહેલા ટ્વિટર હતું) પર લખ્યું કે મોદી સરકાર ઈચ્છે છે કે લોકતાંત્રિક ભારત ધીમે ધીમે સરમુખત્યારશાહીમાં ફેરવાઈ જાય. ‘વન નેશન વન ઇલેક્શન’ પર કમિટી બનાવવાનો આ ખેલ એ ભારતના સંઘીય માળખાને નષ્ટ કરવાનું એક કાવતરું છે. 2024માં, લોકો પાસે ‘વન નેશન વન સોલ્યુશન’ છે- બીજેપીના કુશાસનથી છુટકારો મેળવવો.
આ તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશ માટે શું મહત્ત્વનું છે? વન નેશન વન ઇલેક્શન કે વન નેશન વન એજ્યુકેશન (ધનિક હોય કે ગરીબ, બધા માટે સમાન સારું શિક્ષણ), વન નેશન વન ટ્રીટમેન્ટ (ધનિક હોય કે ગરીબ, બધા માટે સમાન સારી સારવાર), વન નેશન વન ઇલેક્શનથી સામાન્ય માણસને શું મળશે?






Leave a comment