ભુજ નગરપાલિકા વિસ્તારમાં ગાયના મોત મામલે રજૂઆત કરવા આવેલા ગૌરક્ષકોમાંથી એક ગૌરક્ષકે ઉશ્કેરાઈને નગરપાલિકાના પ્રમુખ પર હુમલો કરતા ચકચાર મચી છે. આશ્ચર્યની વાત એ છે કે, રજૂઆત સમયે ત્રણથી ચાર પોલીસકર્મીઓની હાજરી હોવા છતા હુમલાની ઘટના બની હતી. હુમલાની ઘટનાથી વ્યથિત થયેલા પ્રમુખ રડી પડ્યા હતા.
ગાયના મોત મામલે રજૂઆત કરવા આવ્યા હતા
ભુજની નાગોર ડમ્પીંગ સાઈડ પર ગાયોના મોત થતા આજે ગૌરક્ષકોની એક ટીમ ભુજ નગરપાલિકા પર રજૂઆત માટે પહોંચી હતી. ગૌરક્ષકો ઉગ્ર રીતે રજૂઆત કરી રહ્યા હોવા છતા પ્રમુખ શાંતિથી તમામને સાંભળી રહ્યા હતા. ત્યારે જ બીજી કતારમાં ઉભેલા એક ગૌરક્ષકે પ્રમુખ ઘનશ્યામ ઠક્કર પર હુમલો કરતા હોબાળો મચ્યો હતો.
પોલીસકર્મીઓની હાજરીમાં જ હુમલાની ઘટના બની
ભુજ નગરપાલિકા કચેરીમાં આજે ગૌરક્ષકો ગાયના મોત મામલે રજૂઆત માટે આવ્યા હતા ત્યારે રજૂઆત સમયે ત્રણથી ચાર પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થલ પર હાજર હતા. તેમ છતા એક ગૌરક્ષકે ઉશ્કેરાઈને હુમલો કરી દીધો હતો. હુમલો થતા પોલીસકર્મીઓએ તમામ ગૌરક્ષકોને ઓફિસની બહાર કર્યા હતા.
ઘટના અંગે વાત કરતી સમયે પ્રમુખ રડી પડ્યા
ભુજ નગરપાલિકા કચેરીમાં પ્રમુખ ઘનશ્યામ ઠક્કર પર હુમલાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. ઘટનાથી વ્યથિત થયેલા પ્રમુખ રડી પડ્યા હતા. ઘનશ્યામ ઠક્કરે કહ્યું હતું કે, નાગોર ડમ્પીંગ સ્ટેશન પર કચરાના ઢગલા પર ગાયને શોટ લાગતા મોત થયું હતું. આ દુઃખદ ઘટના હતી. આજે હું નગરપાલિકાથી નીકળી રહ્યો હતો ત્યારે 20 લોકો આવેદનપત્ર પાઠવવા આવ્યા હતા એટલે હું બેસી ગયો હતો. જે લોકો હતા તેઓએ મને ઘેરીને ગાળો આપી હતી. આવેદનપત્ર આપવા માટે પાંચને બોલાવ્યા હતા પણ પંદર આવી ગયા હતા. આવેદનપત્ર આપતી સમયે વાત ચાલુ હતી ત્યારે એક છોકરાએ મારા પર હુમલો કરી દીધો. આ બનાવથી હું ખૂબજ વ્યથિત છું. ગાય મરી છે તેનું મને દુઃખ છે. મારી ટર્મના 7 દિવસ બાકી છે ત્યારે આ ઘટના બની. મેં શું ભૂલ કરી છે કે તમે મારા પર હુમલો કરો છો. પોલીસની હાજરીમાં તમે મને મારો છો. મારો વાંક શું?. જનસંઘ પરિવારમાંથી આવું છું. આ શહેરની ઘણીબધી સેવા કરી છે. આ ષડયંત્ર કરવાનું કારણ શું? જે લોકોએ આ કામ કર્યું છે તેને પરમાત્મા સદબુધ્ધિ આપે.
હુમલાની ઘટના બાદ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરના નિવાસસ્થાને રાજકીય અને સામાજિક અગ્રણીઓ સ્નેહીજનોની ભીડ ઉમટી પડી છે. આ વિશે ઘનશ્યામ ઠક્કરના પુત્ર વરુણ ઠક્કરે વકીલની સલાહ બાદ પોલીસ ફરિયાદ કરવાની વાત કરી હતી.






Leave a comment