ભાદરવી અમાસના મેળા માટે એસ.ટી.ની 70 જેટલી એકસ્ટ્રા બસ દોડશે

– નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત મેળો ભરાશે

કોળિયાકના ઐતિહાસિક ભાદરવી અમાસના મેળા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા ૭૦ જેટલી એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે. આગલી રાત્રિથી મેળો પુરો થાય ત્યાં સુધી વિશેષ ભાડા સાથે એસ.ટી.ની બસો ભાવિકો-શ્રધ્ધાળુઓને લાવવા-લઈ જવાની સુવિધા પુરી પાડશે. આ માટે એસ.ટી. તંત્રે પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. ડ્રાઈવર-કંડક્ટર અને અધિકારીઓને કોળિયાક મેળા માટે જવાબદારીઓ ફિક્સ કરી સોંપી દેવામાં આવી છે.

કોળિયાક સ્થિત નિષ્કલંક મહાદેવજીના સાંનિધ્યમાં ભાદરવી અમાસનો પરંપરાગત મેળો ભરાશે. ભાદરવીના મેળામાં પવિત્ર સ્નાન માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય, એસ.ટી. વિભાગ દ્વારા યાત્રાળુઓને કોળિયાક જવા માટે બસની સુવિધા મળી રહે તે માટે ખાસ સંચાલન હાથ ધરી ભાવનગરથી કોળિયાક વચ્ચે આશરે ૭૦ જેટલો એકસ્ટ્રા બસ દોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી. તંત્ર દ્વારા તા.૧૪-૯ અને તા.૧૫-૯ના રોજ કોળિયાકના લોકમેળા માટે સતત એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ગુરૂવારે રાત્રિથી આ બસો શુક્રવારે મેળો પુરો થાય ત્યાં સુધી શ્રધ્ધાળુઓને લાવવા-લઈ જવા માટે દોડતી રહેશે. ભાવનગર જિલ્લા, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતનાં ગામે-ગામથી લોકો ભાદરવીનો મેળો માણવા અને પવિત્ર સમુદ્ર સ્નાન કરવા આવતા હોય, મુસાફરોને અગવડતા ન પડે તે માટે ભાવનગર એસ.ટી. ડેપો, ઘોઘાજકાતનાકા, આડી સડક, પીપળિયા પુલ ખાતે પીકઅપ પોઈન્ટ ઉભા કરવામાં આવશે. વિભાગીય નિયામક, ડીટીઓના મોનિટરીંગ હેઠળ ડેપો મેનેજરો, સુપરવાઈઝર અને અન્ય અધિકારી-કર્મચારીઓને સુચારૂ આયોજનની જવાબદારી સોંપવામાં આવી છે. યાત્રાળુઓએ એસ.ટી. બસ સેવાનો મહત્તમ લાભ લેવા માટે એસ.ટી. તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે.

Leave a comment

Trending