– પ્રવર્તમાન વાતાવરણમાં ત્વચા ઉપર ફંગસ સંક્રમણ વધતાં સતર્કતા જરૂરી
પ્રવર્તમાન વાતાવરણમાં ગરમી, ભેજ અને તેના પરિણામે ઉદભવતા પરસેવાને કારણે ત્વચા ઉપર ફંગસ રોગનું(ફંગલ ઇન્ફેક્શન)સંક્રમણ વધુ જોવા મળે છે. જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં આ ઋતુ દરમિયાન સારવાર લેતા રોજના સરેરાશ ૧૬૦ દર્દીઓ પૈકી ૬૦ ટકા તો ચામડીના આ સંક્રમણથી ગ્રસ્ત હોય છે.
જી.કે.ના સ્કિન નિષ્ણાત ડો. દિપાલી વડુકુલે અને ડો. ઐશ્વર્યા રામાણીએ જણાવ્યું હતું કે, આ રોગ કોઈને પણ અને શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે, તેમ છતાં બાળકોને માથામાં,બેઠાડુ વ્યવસાય હોય તેમને અને મહિલાઓને યુરીન માર્ગે આ સંક્રમણ વધુ જોવા મળે છે.
શરીર ઉપર જ્યાં ફંગસ હોય એ ભાગ લાલ થઈ જાય છે. ખંજવાળ આવે છે. ત્વચા ઉપર પાપડી થાય છે. ક્યારેક દાણા દેખાય છે. આમ તો જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેમને સંક્રમણ વધુ અસર કરે છે, એટલે આ રોગનાં બાહ્ય લક્ષણો પરથી નિદાન કરી શકાય છે. તેમ છતાં જરૂર પડે તો સુગર ટેસ્ટ અને શરીરના આંતરિક ભાગમાં ચેપ હોય તો અન્ય ટેસ્ટ જરૂરી બને છે.
આ રોગની સામે રાખવાની થતી સંભાળ અંગે ત્વચા નિષ્ણાત ડૉ.મીરાં પટેલ અને ડો.માનસી પીઠડિયાએ જણાવ્યું કે, શરીરના દરેક અંગની સફાઈ જરૂરી છે. જો આ બાબતમાં ધ્યાન અપાય તો, ફંગસ થવાની સંભાવના ઘટી જાય છે. અન્ય ધ્યાન રાખવાની બાબતોમાં ટાઈટ કપડા કે સખત બુટ ના પહેરવાં, મોજાં રોજ બદલવા, બાથરૂમ કે ટોયલેટમાં ખુલ્લા પગે જવું નહીં, નાહ્યા બાદ શરીર કોરું કરવું,નખ નિયમિત કાપવા અને ખાસ કરીને કોઈને ઘરમાં ફંગસ હોય તો, તાત્કાલિક ઉપચાર કરાવવો જરૂરી બને છે.
ઉપચાર ઉપર પ્રકાશ પાડતા ડૉ.પ્રેરક કથીરીયા એ કહ્યું કે આ રોગની સારવાર માટે ક્રીમ અને ગળવાની દવા છે. પરંતુ સ્ટીરોઇડ ક્રિમથી દુર રહેવું.ગંભીર સંક્રમણનો પણ ઈલાજ થઈ શકે છે. સૌથી અગત્યની બાબત તબીબોએ સૂચવેલી દવા, પરેજી વગેરેનો કોર્ષ પૂરો કરવો જરૂરી છે. ખાસ કરીને બે મહિના સુધી તો તેની સારવાર લેવી પડે છે, તેમાંય જો વચ્ચેથી સારવાર છોડી દેવાય તો આ રોગ બેવડાઈ જાય છે. તબીબોની સલાહ મુજબ દવા લેવી આવશ્યક છે.






Leave a comment