– દવાની આડઅસર જણાય તો ફાર્મસી કાઉન્ટર ઉપર ઉપલબ્ધ ફોર્મ ભરી જાણ કરવા અનુરોધ
દવાનો ઉપયોગ માનવજાતના આરોગ્યની ગુણવત્તાયુક્ત સંભાળ અને સારવાર માટે છે. દવાઓ સારવાર માટે મૂકવામાં આવે તે પહેલાં તેની લાંબી અને ટૂંકા ગાળાની આડઅસરો ચકાસી પછી જ ઉપચાર માટે યોગ્ય ગણવામાં આવે છે. દવાની આડઅસર ચકાસવા માટે દેશમાં અનેક મોનીટરીંગ કેન્દ્ર છે. આ કેન્દ્રો સાથે જી.કે.જનરલ અદાણી હોસ્પિટલ પણ જોડાયેલી છે.અત્રે જી.કે.માં દવાની આડઅસર દર્શાવતું નિયત ફોર્મ એકત્રિત કરાય છે.
અદાણી મેડિકલ કોલેજના ફાર્માકોલોજી વિજિલન્સ વિભાગના કોર્ડીનેટર ડો.હિરલ ગોલકિયા એ દેશભરમાં ઉજવાતા ફાર્માકો વિજિલન્સ સપ્તાહ (17 થી 23 સપ્ટેમ્બર) નિમિત્તે કહ્યું કે, કોઈપણ ડોક્ટર, નર્સ કે ખુદ દર્દી હોસ્પિટલમાં ફાર્મસી કાઉન્ટર ઉપર ઉપલબ્ધ દવાની આડઅસર ફોર્મમાં ભરીને આડઅસર વાળી દવાની જાણ કરી શકે છે.
તેમણે કહ્યું કે, ફોર્મ એકત્રિત થાય છે, તેનું વિશ્લેષણ પણ થાય છે અને પછી પ્રાદેશિક કેન્દ્રો અને નેશનલ કોઓર્ડીનેશન સેન્ટરને મોકલી આપવામાં આવે છે. આ ફોર્મ ગુજરાતી ભાષામાં છે. ફોર્મની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. કોઈ કાનૂની વિઘ્ન નથી અને સંપૂર્ણ સુરક્ષિત છે. જો દર્દી કે ડોક્ટરને લાગે કે કોઈ દવા અનિચ્છનીય અસર કરે છે, તો વિગતો ફોર્મમાં ભરીને જાણ કરવી, જેથી તેના ઉપચારાત્મક પગલાં ભરી શકાય.
ભારતમાં દવાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ફાર્મોકો વિજિલન્સ પ્રોગ્રામ એક રાષ્ટ્રીય કાર્યક્રમ છે, જે દવાના જોખમો અને લાભોનું મૂલ્યાંકન કરે છે. બાદમાં રેગ્યુલેટરી ઓથોરિટી અને ડ્રગ્સ કંટ્રોલર ને ઉપચારક પગલાં ભરવા સલાહ આપે છે. દવાનો સુરક્ષિત ઉપયોગ દર્દીને સલામતી આપે છે.
ઉત્તર પ્રદેશમાં આવેલું ગાઝીયાબાદ આ પ્રોગ્રામનું મુખ્ય મથક છે, જે દવાના નવા ઉત્પાદનો,બ્લડ પ્રોડક્ટ અને મેડિકલ સારવારના ડીવાઈસ તેમજ વિવિધ પરિબળો ઉપર ચાંપતી નજર રાખે છે. જે ફાર્માકોવિજિલન્સ તરીકે ઓળખાય છે. ફાર્મોકો વિજિલન્સ પ્રોગ્રામથી માનવ જાતને ફાયદો થયો છે. નુકસાન ઘટાડવા અને દવાનો સુરક્ષિત ઉપયોગને વધારવા માટે અનેક નિયમનકારી પગલાં લેવામાં આવ્યા છે. કેટલીક દવાઓ અસ્થાયી રૂપે અને કેટલીક દવાઓ કાયમી ધોરણે પાછી ખેંચી લેવામાં આવી છે.
દવાની પ્રતિકૂળ અસરના બે પ્રકાર હોય છે. એક લાંબા ગાળા અને બીજી ટૂંકા ગાળાની એ બંને આડ અસર ઉપર બાજ નજર રાખવામાં આવે છે. બાળકો, વૃદ્ધો તેમજ સગર્ભા માતાની દવાઓ સામે સતત સાવચેતી રાખવામાં આવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝરની પહેલ દ્વારા 1964માં સ્વીડન ખાતે ઉપસાલામાં મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી. ભારત સહિત 100થી વધુ સભ્યો સક્રિય છે. દરેક સભ્ય દેશ પાસે રાષ્ટ્રીય સંકલન કેન્દ્ર છે. ડબલ્યુ.એચ.ઓ. સાથે તમામ દેશો દવાની અસર ઉપર વિચાર વિમર્શ કરે છે. દવાની આડ અસર અંગે જે કોઈપણ નિર્ણય કરવામાં આવે છે તેની સંબંધિત દેશની જાણ કરવામાં આવે છે.
દવાની આડઅસર અંગે ભરવાનું થતું ફોર્મ સરળ છે. આ અંગે એક હેલ્પલાઇન છે.જેનો નંબર ૧૮૦૦–૧૮૦–૩૦૨૪ ટોલ ફ્રી છે.આ ઉપરાંત ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે, જે ભરીને જી.કે.માં મોકલી આપવાનું રહેશે.






Leave a comment