ભારતીય મેડિકલ કોલેજો અને પ્રોફેશનલોની પ્રતિષ્ઠા વધશે

– 706 કોલેજને પણ માન્યતા મળી, આવનારા 10 વર્ષમાં બનનારી નવી મેડિકલ કોલેજોને આપોઆપ માન્યતા મળશે

– વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવાની તક : ભારતીય મેડિકલ કોલેજો અને પ્રોફેશનલોની પ્રતિષ્ઠા વધશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં માસ્ટર્સ ટ્રેનિંગ અને પ્રેક્ટિસ કરવા માગતા ભારતીય મેડિકલ ગેજ્યુએટ્સને મોટી ખુશખબરી આપી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ વૈશ્વિક સંગઠન વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશને (WFME) નેશનલ મેડિકલ કમિશન ઓફ ઈન્ડિયા (NMC)ને 10 વર્ષ માટે માન્યતા આપી છે. આ નિર્ણય બાદ ભારતીય મેડિકલ ગેજ્યુએટ્સ અન્ય કેટલાક દેશોમાં પ્રેક્ટિસ કરી શકશે.

નવી મેડિકલ કોલેજોને પણ આપોઆપ માન્યતા મળશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, WFME માન્યતાથી ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ્સો માટે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા અન્ય દેશોમાં માસ્ટર્સ ટ્રેનિંગ અને પ્રેક્ટિસ કરવાનો રસ્તો ખુલી જશે… આ માન્યતા હેઠળ વર્તમાન તમામ 706 કોલેજને પણ માન્યતા પ્રાપ્ત થઈ છે અને આવનારા 10 વર્ષમાં બનનારી નવી મેડિકલ કોલેજોને પણ આપોઆપ માન્યતા પ્રાપ્ત થઈ જશે.

વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવાની મળશે તક

વિશ્વસ્તરે માન્યતા મળવાના કારણે વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ કરવાની તક મળશે. ઉપરાંત ભારતીય મેડિકલ તબીબી આયોગને વિશ્વસ્તરની સર્વશ્રેષ્ઠ ગુણવત્તા સાથે સંરેખિત કરી ભારતમાં મેડિકલ શિક્ષણની ગુણવત્તા અને ધોરણોને વધારવાનો પણ વિશેષાધિકાર મળશે.

ભારતીય મેડિકલ કોલેજો અને પ્રોફેશનલોની પ્રતિષ્ઠા વધશે

મંત્રાલયે પ્રેસ રિલિઝમાં વધુમાં જણાવ્યું છે કે, ડબલ્યુએફએમઈ માન્યતાથી ભારતીય મેડિકલ કોલેજો અને પ્રોફેશનલોની આંતરરાષ્ટ્રીય માન્યતા તેમજ પ્રતિષ્ઠા વધશે. કોલેજોને શૈક્ષણિક સહયોગ અને આપ-લે કરવાની સુવિધા મળશે… ઉપરાંત મેડિકલ શિક્ષણમાં સતત સુધારો અને નવીનતાને પ્રોત્સાહન મળશે. મેડિકલ શિક્ષકો અને સંસ્થાઓ વચ્ચેના સંબંધોમાં પણ વધારો થશે.

વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન એટલે શું ?

વર્લ્ડ ફેડરેશન ફોર મેડિકલ એજ્યુકેશન એક વૈશ્વિક સંગઠન છે. આ સંગઠન વિશ્વભરમાં મેડિકલ શિક્ષણની ગુણવત્તા વધારવા માટે કામ કરે છે. ડબલ્યુએફએમઈનું મિશન તમામ માનજાતિ માટે શ્રેષ્ઠ આરોગ્ય સારસંભાળનો પ્રયાસ કરવાનું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ડબલ્યુએફએમઈનો પ્રથમ ઉદ્દેશ્ય મેડિકલ શિક્ષણમાં સર્વોચ્ચ વૈજ્ઞાનિક અને નૈતિક ધોરણોને પ્રોત્સાહન આપવા ઉપરાંત વિશ્વભરમાં મેડિકલ શિક્ષણની ગુણવત્તા વધારવાનો છે.

Leave a comment

Trending