ભારત-કેનેડાના સંબંધો દિવસે ને દિવસે વણસતા જાય છે. ખાલિસ્તાન મામલે બંને દેશ માટે તણાવ વધતાં ભારત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે અને કેનેડાના નાગરિકો માટે. વિદેશ મંત્રાલયે વિઝા સેવા સ્થગિત કરી દીધી છે.
બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી છે. કોવિડ-19 પછી ભારતે વિઝા સસ્પેન્ડ કર્યા હોય તેવો આ પહેલો બનાવ છે.
મીડિયા અહેવાલો અનુસાર, વિઝા સેવાઓને સ્થગિત કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, જ્યારે કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા BLS ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક મેસેજ પોસ્ટ કર્યો હતો જેમાં કહ્યું હતું કે, ‘ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના: 21મી સપ્ટેમ્બર 2023 [ગુરુવાર] થી ભારતીય વિઝા સેવાઓ નવી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.’
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ભારતીય અધિકારીએ વિઝા સેવાઓ સ્થગિત કરવાની પુષ્ટિ કરી હતી પરંતુ વધુ કોમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.
BLS વેબસાઈટ પર મેસેજ પોસ્ટ કરવામાં આવ્યો
ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધુ વધી રહ્યો છે. ભારે રાજદ્વારી વિવાદ વચ્ચે કેનેડામાં ભારતીય વિઝા સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. હકીકતમાં, બંને દેશો વચ્ચે તણાવ ત્યારે વધી ગયો જ્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો. જેને ભારતે સંપૂર્ણપણે ફગાવી દીધો હતો.
BLS ઈન્ટરનેશનલ – એક ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટર જે ભારત અને અન્ય દેશોની અરજીઓનું સંચાલન કરે છે, તેણે તેની વેબસાઈટ પર એક સૂચનામાં આ મેસેજ પોસ્ટ કર્યો: “ઓપરેશનલ કારણોસર, 21 સપ્ટેમ્બર, 2023થી, ભારતીય વિઝા સેવાઓ આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.” “કૃપા કરીને વધુ અપડેટ્સ માટે BLS વેબસાઇટ જોતા રહો.”
કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદી નેતાની હત્યાને લઈને બંને દેશો વચ્ચે વધી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે આ નિર્ણય આવ્યો છે. PM મોદી જસ્ટિન ટ્રુડોએ જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ‘સંભવિત’ સંડોવણીનો આરોપ મૂક્યો હતો, જેનાથી કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી વિવાદ સર્જાયો હતો.
ભારતે બુધવારે એડવાઈઝરી જાહેર કરી હતી
કેનેડામાં વધતી જતી ભારતવિરોધી ગતિવિધિઓ અંગે ભારત સરકારના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે કેનેડામાં રહેતા ભારતીયો અને સ્ટુડન્ટ્સો ચેતી જાય, કારણ કે ત્યાં રહેતા ભારતીયો પ્રત્યે હેટક્રાઇમ વધી શકે છે, માટે કેનેડામાં રહેતા ભારતીયોએ અત્યંત સાવધાની રાખવી જોઈએ.
કેનેડા અને ભારતના વણસતા સંબંધો વચ્ચે બંને દેશના રાજદ્વારીઓને દેશ છોડવા આદેશ આપી દેવાયા છે, કારણ કે કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને પોષણ મળી રહ્યું છે અને ભારતવિરોધી ગતિવિધિઓ ચાલી રહી છે. દરમિયાન કેનેડાએ ભારત પર શીખ નેતાની હત્યાનો આરોપ લગાવતાં બંને દેશ વચ્ચે કડવાશ વધી છે. કેનેડામાં લાખો ભારતીયો રહે છે અને સ્ટુડન્ટ પણ ત્યાં રહીને ભણે છે.
ભારતીયો માટે કેનેડા અત્યારે એજ્યુકેશન હબ બની ગયું છે. દરમિયાન બંને દેશ વચ્ચે સંબંધ વણસતાં ત્યાં રહેતા ભારતીયો અને અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સ માટે હવે શું થાશે એ મૂંઝવતો સવાલ ઘુમરાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા ભારતીય સ્ટુડન્ટ્સ અને ભારતના નાગરિકો માટે એવી એડવાઈઝરી જારી કરી છે કે કેનેડામાં ભારતવિરોધી ગતિવિધિઓ વધી રહી છે. માટે ત્યાં રહેતા સ્ટુડન્ટ્સ અને નાગરિકોએ સાવધાનીથી અને ચેતીને રહેવું જોઈએ. કેનેડામાં ભારતીયો પ્રત્યે હેટક્રાઈમમાં પણ વધારો થઈ રહ્યો છે, તેથી સતર્કતાથી રહેવું જરૂરી બની જાય છે.
ભારતે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે
મંગળવારે કેનેડા દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી બાદ ભારતના વિદેશ મંત્રાલયે પણ કેનેડામાં રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી હતી. કહ્યું- કેનેડામાં ચાલી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓને જોતા, ત્યાં રહેતા અથવા ત્યાં મુસાફરી કરતા નાગરિકોને ખૂબ જ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. તાજેતરના દિવસોમાં, એવું જોવામાં આવ્યું છે કે કેનેડામાં હાજર ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના ચોક્કસ વર્ગને ધમકી આપવામાં આવી રહી છે. આ એ લોકો છે જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે.
એડવાઈઝરી મુજબ – આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે અમારા નાગરિકોને સલાહ આપીએ છીએ કે તે વિસ્તારોમાં જવાનું ટાળે જ્યાં ભારત વિરોધી ગતિવિધિઓ થઈ છે. અમારું હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલ ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેનેડિયન સત્તાવાળાઓના સંપર્કમાં છે. કેનેડામાં બગડતી સુરક્ષા સ્થિતિને જોતા ત્યાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓ હાઈ કમિશન અને કોન્સ્યુલેટની વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકે છે.






Leave a comment