ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

– આજે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં મેઘરાજા ધબધબાટી બોલાવે એવી શક્યતા છે. પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત પર જોવા મળશે.

સાઇક્લોનિક સર્ક્યુલેશન લો-પ્રેશરમાં ફેરવાયું

બીજી તરફ, બંગાળની ખાડીમાં હાલ સાઇક્લોનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે એ લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને એ ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે એવી શક્યતા છે.

આજે કયા જિલ્લામાં વરસાદની આગાહી

ગુજરાતમાં આજે 17 તાલુકામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે જિલ્લાની વાત કરવામાં આવે તો આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા અને નગર-હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. રાજ્યના એકપણ જિલ્લામાં રેડ અલર્ટ નથી.

ગુજરાતમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો

હાલ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અત્યારસુધીમાં 168.84 મિમી વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની ટકાવારી 100 ટકાથી પણ વધી ગઈ છે. ચોમાસાના ભારેથી અતિભારે વરસાદના પગલે રાજ્યના પૂર પ્રભાવિત નવ જિલ્લામાંથી 19,360 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.

10 ઓક્ટોબરથી ચોમાસું વિદાય લઈ શકે છે

હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે , ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે.

Leave a comment

Trending