પીએચડીના અટકેલા પ્રશ્ને છાત્રોએ આક્રોશ દર્શાવતા અંતે મંજૂરી

કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા અઢી વર્ષથી પીએચડી પરીક્ષાનો મુદ્દો અટવાયેલો છે. યુનિવર્સિટી દ્વારા આ જટીલ મુદાનું કોઈ નિરાકરણ ન કરાતા સોમવારે વિદ્યાર્થીઓ વતી એબીવીપીએ ઉગ્ર આંદોલન કરી યુનિવર્સિટીમાં તાળાબંધી જેવા આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા મામલો ગરમાયો હતો. આખરે સાત કલાકની રજુઆત બાદ ગાંધીનગરથી શિક્ષણ વિભાગે પીએચડીને મંજૂરી આપતો પરિપત્ર મોકલતા યુનિવર્સિટીએ આગળની કાર્યવાહીની બાંયધરી આપતા વિદ્યાર્થીઓની જીત સાથે આંદોલન સમાપ્ત થયું હતું.

આ અંગેની વિગતો મુજબ વર્ષ 2021 માં પીએચડી પરીક્ષા લેવાનું નક્કી કરાયું પણ ટેક્નિકલ કારણોથી સરકારે પ્રક્રિયા સ્થગિત કરી આખરે વિવિધ રજૂઆતો અને આંદોલનની ફળશ્રુતિ રૂપે ફરી મંજૂરી મળી અને જાન્યુઆરી 2023માં નવી અરજી મંગાવી નવા-જુના તમામ ઉમેદવારની પ્રવેશ પ્રક્રિયા લેવાઈ અને ફાઇનલ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં ફરિયાદ થતા સરકારે મૌખિક સૂચનાથી આગળની પ્રક્રિયા અટકાવી હતી.

કાયમી કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજાની મુદત પૂર્ણ થયા બાદ ઇન્ચાર્જ કુલપતિ તરીકે કોમર્સ વિભાગના ડીન ડો.પી.એસ.હિરાણીએ 5મી મેના ચાર્જ સંભાળ્યો અને 15 જુલાઈના યુનિવર્સિટીમાં મળેલી બીયુટીઆરની મીટીંગમાં સર્વાનુમતે પરીક્ષાના વિવાદનો અંત આવ્યો જેના 9 દિવસ બાદ એટલે કે 24 જુલાઈના યુનિવર્સિટીએ સરકારમાં પત્ર લખ્યો કે,પીએચડી પરીક્ષા લેવાની પરવાનગી આપવામાં આવે પણ બે મહિના વીતવા છતાં કોઈ નિર્ણય ન લેવાતા આખરે સોમવારે એબીવીપી દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી જેથી કાર્યકારી કુલપતિ ડો.હીરાણી અને રજીસ્ટાર પ્રો.ઘનશ્યામ બુટાણીએ સરકારમાં માંગ મૂકી હતી. ગાંધીનગર શિક્ષણ વિભાગની કચેરીએ ફાઇલને મંજૂરી મળવામાં વિલંબ થયો હોવાનું સામે આવતા શિક્ષણમંત્રી સાથે સચિવનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આખરે 12 વાગ્યાથી ચાલી આવતી લડતમાં સાંજે સાડા 6 વાગ્યાના અરસામાં શિક્ષણ વિભાગના સેક્શન અધિકારીની સહીથી પત્ર આવ્યો હતો. જેમાં 2022ની યુજીસીની ગાઇડલાઈન પ્રમાણે પરીક્ષા લેવા પરવાનગી આપવામાં આવી હતી. જે બાદ રજીસ્ટ્રારે ઝડપી કાર્યવાહીની ખાતરી આપતી બાંયધરી આપતા આંદોલન પૂર્ણ થયું હતું. એબીવીપીના કચ્છ વિભાગ સંયોજક શિવરાજસિંહ જાડેજા,જય આહીર,માનસીબેન પઢારીયા,મિલન લોઢા,જયદીપસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.

600 થી 700 ઉમેદવારોને થઈ છે અસર

અઢી વર્ષથી પીએચડી બંધ હોવાના કારણે રિસર્ચ કરવા ઇચ્છતા 600 થી 700 વિદ્યાર્થીઓને અસર થઈ છે તેમજ સરકાર દ્વારા મળતી મહિને 15,000 ની ફેલોશીપ ઉપરાંત અન્ય લાભોથી પણ વંચિત રહ્યા છે પરીક્ષા બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટી તરફ જવું પડ્યું હતું જેમાં વર્ષે અંદાજીત ₹4 લાખ ફી ભરવાનો અને આર્થિક બોજો સહન કરવાનો વારો આવ્યો હતો.

વિરોધ દરમ્યાન તમામ બ્લોક બંધ કરાવાયા

એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો ત્યારે આંદોલનના ભાગરૂપે તમામ વિભાગો બંધ કરાવવામાં આવ્યા હતા યુનિવર્સિટીનું વહીવટી બિલ્ડીંગ તેમજ એ,બી,સી અને ડી બ્લોક બંધ કરાવી ટીચિંગ અને નોન ટીચિંગ કાર્ય બંધ કરવામાં આવ્યું હતું તેમજ યુનિવર્સિટીમાં લાઈટો પણ બંધ કરી દેવામાં આવી હતી જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ ન આવે અથવા કોઈ હકારાત્મક નિર્ણય ન લેવાય ત્યાં સુધી સંકુલ ન છોડવાની પણ તૈયારી બતાવી હતી.

પીએચડી માટે માન્ય રહેતા ગાઈડને જ વિદ્યાર્થીઓ મળશે

શિક્ષણ વિભાગે તા.13/12/2022ના પત્રથી યુ.જી.સી.અને યુનિવર્સિટી દ્વારા નિર્ધારીત નોર્મ્સનું યોગ્ય પાલન થાય અને વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને પારદર્શિત રીતે પીએચડીની પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું છે જેના આધારે કચ્છ યુનિવર્સિટીએ 2022 ના પરિપત્ર અન્વયે અન્ય આદેશ કે સુધારા ન આવે ત્યાં સુધી પીએચડી માટે માન્ય રહેતા ગાઈડને જ હાલ પુરતા વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે તેવું જણાવ્યું છે.

Leave a comment

Trending