કચ્છના સૌથી મોટા મેળા તરીકે જાણીતા મીની તરણેતર સમા નખત્રાણા તાલુકાના મોટા યક્ષના મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સારા વરસાદ બાદ ઐતિહાસિક સ્તરે મેળો યોજાય એવી સંભાવના છે, ત્યારે જિલ્લાના સૌથી મોટા મેળા તરીકે પ્રસિદ્ધ ત્રણ દિવસીય મેળાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા. 2ના સવારે 10 વાગ્યે વિધિવત પ્રારંભ કરાવશે. છેલ્લા 1282 વર્ષથી યોજાતો ભાતીગળ મેળો આ વખતે 17 એકરમાં આકાર પામશે. એવા ભવ્ય મેળાનું પ્રથમ વખત મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રીના આગનને લઇ આજે મેળા સમિતિ અને આસપાસના 20 ગામનાં આગેવાનો સાથે આયોજન બેઠક યોજાઈ હતી.
નખત્રાણા તાલુકાના સાંયરા ગામ નજીકના યોજાનાર ત્રી દિવસીય યક્ષ મેળાને મેળા સમિતિ, ભૂવા પરિવાર અને વહીવટી તંત્રના સયુંકત ઉપક્રમે આયોજન વ્યવસ્થા અંગેની તૈયારીઓ ચાલી રહી છે. સદીઓ જૂના ભાતીગળ મેળાને ભાવિકો, શહેલાનીઓ સરળતાથી માણી શકે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. આગામી તા. 1 ની રાત્રિએ જ મેળાની શરૂઆત થઈ જશે જેનો વિધિવત પ્રારંભ બીજા દિવસે સવારે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે એવું ભાજપ જિલ્લા પ્રમુખ દેવજી વરર્ચંદે જણાવ્યું હતું.
મેળાની તૈયારીને લઇ હાલ મેળા નજીક હેલિપેડ બનાવવા સહિતની કામગીરી અંગે તંત્ર દ્વારા સંકલન બેઠક હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી બગસરા, મામલતદાર નીતિ ચારણ સહિતના અધિકારીઓ દેખેરખ રાખી રહ્યા છે. તો આજે યક્ષ મંદિર ધર્મશાળા ખાતે મેળા સમિતિ, મંદિર સંચાલક ભૂવા પરિવાર અને આસપાસના ગામના અગ્રણીઓની બેઠક મળી હોવાનું મેળા સમિતિના અધ્યક્ષ ધીરુ પટેલે જણાવ્યું હતું. દરમિયાન મેળા અંતર્ગત મનોરંજન પ્લોટ ફાળવણીને લઇ ગેરરીતિના અહેવાલો વિશે પૂછતા તેમણે કહ્યું હતું કે સ્થાનિક સિંડીકેટની સંભાવના છે. જો કલેકટર કચેરી હસ્તક મેળો અપાય તો અલગ વાત છે. અલબત્ત મેળામાં મુખ્યમંત્રીના આગમનને લઇ અબડાસા ધારાસભ્ય પ્રધુમંસિહ જાડેજા સાથે જિલ્લા ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ ખાસ હાજર રહી મેળાના સહભાગી બનશે.






Leave a comment