– આગામી દિવસોમાં ઘટાડો ચાલુ રહેવાની સંભાવના
આજે એટલે કે ગુરુવારે (28 સપ્ટેમ્બર) બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ સતત ત્રીજા દિવસે ઘટ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 529 રૂપિયા ઘટીને 57,925 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.
જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 43,444 રૂપિયા રહ્યો છે. સોનું 6 મહિનાના સૌથી નીચા સ્તરે આવી ગયું છે. ICICI સિક્યોરિટીઝના હેડ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તેની કિંમતોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.
ચાંદીમાં 600 રૂપિયાથી વધુનો ઘટાડો
IBJA વેબસાઈટ અનુસાર, આજે ચાંદીની કિંમતમાં 600 રૂપિયાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. તે 630 રૂપિયા ઘટીને 70,300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ સોમવારે તે રૂ. 71,557 પર હતી.
આ મહિને અત્યાર સુધીમાં સોનું રૂ.1,387 અને ચાંદી રૂ.4,212 તૂટી
આ મહિનાની શરૂઆતમાં એટલે કે 1 સપ્ટેમ્બરે સોનું 59,312 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે હવે ઘટીને 57,925 રૂપિયા પર આવી ગયું છે. એટલે કે આ મહિને અત્યાર સુધીમાં તેની કિંમતમાં રૂ. 1,387નો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં 4,212 રૂપિયાનો ઘટાડો થયો છે. તે રૂ. 74,512 પ્રતિ કિલોથી ઘટીને રૂ. 70,300 પર આવી ગઈ છે.
સોનું 57 હજાર સુધી પહોંચી શકે છે
અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર ડૉલર ઇન્ડેક્સ હાલમાં 105.95 પર પહોંચી ગયો છે. આ તેની 10 મહિનાની ઊંચી સપાટી છે, તેથી જ સોનું અત્યારે નબળું છે. આ સિવાય 1 ડૉલરની કિંમત પણ 83 રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે. આ કારણે સોના પર દબાણ છે. જેના કારણે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અનુજ ગુપ્તાના મતે, આગામી દિવસોમાં આ ઘટાડો ચાલુ રહી શકે છે અને સોનું 57 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.






Leave a comment