નખત્રાણાના ઉખેડાનો યુવાન સેનામાં જોડાયો

ભારત માતાની રક્ષા કાજે કચ્છના યુવાનો દેશના સુરક્ષા તંત્રમાં જોડાઇ રહ્યા છે. આ જ પ્રકારે નખત્રાણા તાલુકાના ઉખેડા ગામનો યુવાન પણ ભારતીય સુરક્ષા દળની અગ્નિવીર પરીક્ષા પાસ કરી સેનામાં સામેલ થયો છે. દેશસેવાની ભાવના સાથે આર્મીમાં જોડાયેલો માલધારી પરિવારનો પુત્ર આર્મીમેન બનીને ગામમાં પરત આવતા પરિવાર, સમાજ અને ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે આવકાર આપી પુષ્પની માળા પહેરાવી સ્વાગત કર્યું હતું.

ગામના રબારી સમાજનો સુરેશ મગનભાઈ રબારી નામનો યુવાન અગ્નિવીર પરીક્ષામાં પસંદ થયા બાદ સાડા સાત મહિનાની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને માદરે વતન પરત આવતા પરિજનો સાથે ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત- સન્માન કર્યું હતું. સેનામાં જોડાઈને ગામ અને રબારી સમાજનું ગૌરવ વધારવા બદલ સ્થાનિકોએ ગર્વની લાગણી દર્શાવી હતી.

નખત્રાણા તાલુકાના ઉખેડા ગામના વતની રબારી સુરેશ ધોરણ 12 પાસ કરી દેશની સેવા કરવા આર્મીમાં સામેલ થવા પ્રયાસો શરૂ કાર્ય હતા. સેનામાં જોડાવા કરેલી મહેનત બાદ અગ્નિવીર પરીક્ષામાં પસંદગી પામ્યો હતો અને કઠિન તાલીમ પૂર્ણ કરવામાં સફળતા મેળવી હતી. કર્ણાટકના બેલગામ ખાતે સાત માસથી વધુ ચાલેલી ટ્રેનિંગ પૂર્ણ કરી હિમાચલ પ્રદેશ ખાતે સરહદની રક્ષા કરવાનો મોકો મળ્યો હતો. આર્મીમાં જોડાવવાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી નખત્રાણા આવી પહોંચતા સુરેશ રબારીનું જીએમડીસી કોલેજના પ્રોફેસરો સહપાઠી મિત્રો, અને સમાજના લોકો દ્વારા સન્માન કરાયું હતું.

પોતાના ગામ ઉખેડા પરત આવતા સરપંચ તુષાર ગોસ્વામી સાથે યુવાનનાં માતા-પિતા સીતાબેન તથા મગનભાઈએ અને ઉપસ્થિત ગ્રામજનોએ ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું. પોતાનો પુત્ર આર્મીમાં સામેલ થવાના અવસરે માતા-પિતાની આંખમાંથી હર્ષનાં આંસુ વહ્યાં હતાં. આર્મીમેન સુરેશ રબારીએ સૌને ધન્યવાદ પાઠવી અન્ય યુવાનોને સેનામાં જોડાવા અનુરોધ કર્યો હતો.

Leave a comment

Trending