ક્રિકેટનો મહાઉત્સવ એટલે વર્લ્ડ કપ-2023 આજે 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની કુલ પાંચ જેટલી મેચો રમાવાની છે. વિશ્વનું સૌથી મોટું ગણાતા એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે વર્લ્ડ કપની મેચ રમાવાની છે ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. પણ શું તમે સ્ટેડિયમ ખાતે ઝડપી અને એકદમ સરળતાથી પહોંચવા માગો છો? જો હા તો તમારે મેટ્રોની સવારી કરવી પડશે. કારણ કે જો તમે તમારું પોતાનું વાહન લઈને જશો તોય તમારે 1થી 2 કિમી ચાલવું તો પડશે જ, પણ જો તમે મેટ્રો ટ્રેનમાં જશો તો માત્ર 100 મીટર ચાલવું પડશે, જી હા સ્ટેડિયમ પહોંચવામાં એકદમ સરળ અને નજીકનો રસ્તો મોટેરા મેટ્રો સ્ટેશનથી છે. તો આવો…જાણીએ કે કયા વિસ્તારમાંથી તમે કયા મેટ્રો સ્ટેશનની મદદથી સ્ટેડિયમ ખાતે પહોંચી શકશો…
પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં સૌથી શ્રેષ્ઠ ઉપાય તરીકે મેટ્રો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સુધી પહોંચવા માટે સૌથી સરળ ઉપાય પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં પણ સૌથી શ્રેષ્ઠ ઉપાય તરીકે મેટ્રો ટ્રેન છે. કેમ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન માત્ર 100 મીટર જ દૂર છે. જો લોકો પોતાનું વાહન અથવા AMTS કે BRTSમાં પણ આવે તો તેઓને 1થી 2 કિમી ચાલીને આવવું પડે તેમ છે, પરંતુ મેટ્રો સ્ટેશન માત્ર 100 મીટર જ દૂર છે. જેથી લોકો સરળતાથી અને જલદીથી સ્ટેડિયમ પહોંચી શકશે.
આ બંને રૂટ ઉપરથી મોટેરા સ્ટેડિયમ પહોંચી શકાય
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેટ્રો ટ્રેનમાં તમે જો અમદાવાદના પૂર્વ કે પશ્ચિમ વિસ્તારમાં રહો છો તો તમે કયા મેટ્રો સ્ટેશનથી બેસી કયા સ્ટેશન પર પહોંચી શકશો. જો તમે પૂર્વ વિસ્તારમાં રહો છો તો વસ્ત્રાલથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ તરફ જઈ શકો છો. જો પશ્ચિમ વિસ્તારમાં રહો છો તો થલતેજથી વસ્ત્રાલ જતી મેટ્રો ટ્રેન અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ સુધી જતી મેટ્રો ટ્રેનમાં બેસીને પહોંચી શકો છો. આ બંને રૂટ ઉપરથી મોટેરા સ્ટેડિયમ પહોંચી શકાય છે.
મોટેરા તરફ જતી ટ્રેનમાં બેસવું પડશે
પૂર્વ વિસ્તારમાંથી વસ્ત્રાલથી થલતેજની મેટ્રો ટ્રેનમાં બેસીને મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવું હોય તો તેના માટે ઇન્કમટેક્સ મેટ્રો સ્ટેશન ખાતે ટ્રેન બદલવી પડશે. ઇન્કમટેક્સ મેટ્રો સ્ટેશનથી મોટેરા સ્ટેડિયમ તરફ જતી ટ્રેનમાં તમારે બેસીને જવું પડશે. જો એસજી હાઈવે, બોપલ, બોડકદેવ, હેલ્મેટ ચાર રસ્તા, મેમનગર, આનંદ નગર, પ્રહલાદ નગર તરફથી જો તમે આવવા માંગતા હોવ તો થલતેજની મેટ્રો ટ્રેનમાં બેસી અને તમારે ઇન્કમટેક્સ ખાતે ટ્રેન બદલવી પડે અને મોટેરા તરફ જતી ટ્રેનમાં બેસવું પડશે.
ઇન્કમટેક્સ સ્ટેશનથી ટ્રેન બદલવી પડશે
જો સરખેજ, વેજલપુર, વાસણા, પાલડી, નવરંગપુરા સરખેજ અને મોટેરા સ્ટેડિયમ જવા માગો છો તો સીધી મોટેરા સ્ટેડિયમ જતી મેટ્રો ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ પહોંચી શકાશે, પરંતુ જો પૂર્વ વિસ્તારમાંથી અને એસજી હાઇવે તરફના વિસ્તારમાંથી આવો છો તો ઇન્કમટેક્સ સ્ટેશનથી ટ્રેન બદલવી જ પડશે અને મોટેરા સ્ટેડિયમ જતી ટ્રેનમાં બેસીને સ્ટેડિયમ સુધી પહોંચી શકાશે.






Leave a comment