સમગ્ર વિશ્વમાં છઠ્ઠી ઓક્ટોબરના રોજ વિશ્વ સેરિબ્રલ પાલ્સી (સી.પી.) દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે વાસ્તવમાં મગજની એક પ્રકારની નબળાઈ છે.સેરિબ્રલ એટલે મગજ અને પાલ્સી એટલે નબળાઈ. આ રોગ બાળકમાં જોવા મળે છે. બાળક જન્મથી શારીરિક સંતુલન જાળવી શકતું નથી અને રોજબરોજની હલન ચલન જેવી ક્રિયા પણ કરી શકતું નથી.
જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના બાળ રોગ વિભાગના પ્રો. અને હેડ ડો. રેખાબેન થડાની અને આસિ. પ્રો. ડો. યશ્વી દતાણીએ કહ્યું કે, આ એક એવો રોગ છે, જેમાં બાળકના મગજનો વિકાસ થતો નથી કારણ કે, મોટાભાગે ૮૦ ટકા ગર્ભાવસ્થા દરમિયાન કોઇ કારણથી મગજને નુકસાન થયું હોય છે, જ્યારે ૨૦ ટકા બાળકના જન્મ સમયે અને બાળક નાનું હોય ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે.
આ એવો રોગ છે જેનો ખ્યાલ જન્મ સમયે નથી આવતો, પરંતુ બાળક જ્યારે બેસતા ચાલતા શીખે અને સમતુલા ન જાળવે તો સેરીબ્રલ પાલ્સી છે એમ કહી શકાય છે. ઉપરાંત તેની અસર કેટલી છે તેનો આધાર મગજની ઈજાના પ્રમાણ પર નિર્ભર કરે છે. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેના લક્ષણોમાં ફેરફાર થતા હોય છે. આ રોગમાં શરીરની માંસપેશી ઢીલી પડી જાય છે, એ પણ એક મોટું લક્ષણ છે.
તબીબોએ કહ્યું કે, બાળક બેસતા ચાલતા શીખે ત્યારે આ રોગનો ખ્યાલ આવે એ પહેલા જો બાળકના જન્મ બાદ છ મહિને અને ત્યારબાદ બાળ રોગ નિષ્ણાત પાસે નિયમિત તપાસ કરી લેવાય તો, સમયસર આ રોગનો અંદાજ આવી જાય તો રોગને રોકી ભલે ના શકાય પણ વધુ નુકસાન થતું અટકાવી શકાય, આ પ્રકારની જાગૃતિ સમાજ માટે આવશ્યક છે.આમ નિદાન,બાળક પેટમાં હોય ત્યારે ચેક અપ અને જન્મ વખતે સંભાળ લેવાય તો મોટું નુકસાન ટાળી શકાય.
બીજા બાળકને સી.પી. ના થાય તે માટે કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખવા તબીબોએ સૂચવ્યું કે, કુટુંબમાં કોઈને આ રોગ થયો હોય તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજી મહત્વની બાબત માતાએ ધુમ્રપાન, શરાબ કે ડ્રગ્સના સેવનથી દૂર રહેવું જોઈએ અન્યથા બીજા બાળકને પણ આ રોગ થઈ શકે છે. જન્મ વખતે બાળક રડે નહિ તો પણ ચેતી જવાની જરૂર છે. આ ઉપરાંત બાળકને કમળો થયો હોય અને સારવાર ન લીધી હોય પણ આ રોગ થઈ શકે છે.
જી.કે. માં પ્રતિમાસ ૧૫થી૨૦ આવા બાળકોની ચકાસણી કરવામાં આવે છે.વિશ્વમાં અંદાજે એક કરોડ બાળકો સેરિબ્રલ પાલ્સીથી પીડિત છે.






Leave a comment