– પેમેન્ટમાં પાર્ટીઓના ટૂંકાં નામને બદલે આખાં નામ, મોબાઈલ નંબર લખવા સહિતની સૂચનાઓ અપાઈ
રાજકોટમાં ૧૦૦થી વધુ આંગડિયા પેઢી છે. જેના સંચાલકો સાથે આજે ક્રાઈમ બ્રાંચના ડીસીપીએ એસઓજીની કચેરી ખાતે મિટીંગ ગોઠવી હતી. જેમાં તેમને ડ્રગ્સનું પેમેન્ટ આંગડિયા મારફત ન થાય તેનું ધ્યાન રાખવા, સાયબર ફ્રોડના પેમેન્ટ બાબતે પણ ધ્યાન રાખવા, પેઢીમાં વ્યવસ્થિત સીસીટીવી કેમેરા રાખવા, જેનું એક માસનું બેકઅપ રાખવા, વ્યવહારોમાં પાર્ટીના ટૂંકા નામને બદલે પૂરા નામ અને મોબાઈલ નંબર લખવા, શંકાસ્પદ જણાય તે શખ્સના સીસીટીવી ફૂટેજ સેવ રાખવા, મોટું પેમેન્ટ હોય તો આધારકાર્ડ સહિતના આઈડી પ્રુફ લેવા સહિતની સૂચનાઓ આપી હતી.
થોડા સમય પહેલાં આંગડિયા પેઢીઓ મારફત જાલી નોટો વટાવવાનું કારસ્તાન ખૂલ્યું હતું. જે સંદર્ભે તમામ આંગડિયા પેઢીના સંચાલકોને મશીનમાં ચલણી નોટો ચેક કરવાની પણ સૂચના અપાઈ હતી.
આંગડિયા પેઢીઓમાં છાશવારે લૂંટ થાય છે. ઘણી વખત પેઢીના હાલના અને જૂના કર્મચારીઓની સંડોવણી ખૂલે છે. આ સ્થિતિમાં તમામ કર્મચારીઓના આઈડી પ્રુફ સહિતના બાયોડેટાની વ્યવસ્થિત જાળવણી કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
તહેવારોમાં આંગડિયા લૂંટો થતી હોવાથી સચેત રહેવા પણ પોલીસે સૂચના આપી હતી.






Leave a comment