ચાર માસથી બંધ રહેલ સાસણનું ગીર જંગલ પ્રવાસીઓ માટે તા.૧૬ ઓકટોબરથી ખુલવાનું છે. સમગ્ર દેશમાં જંગલમાં સિંહ દર્શન માટે સાસણ એક માત્ર સ્થળ છે. દર વર્ષે સિંહ દર્શન માટે લાખો પ્રવાસીઓ સાસણની મુલાકાતે આવે છે. ગત વર્ષે રેકર્ડ બ્રેક ૭.પ લાખ પ્રવાસીઓ આવ્યા હોવાનું વન વિભાગે જણાવ્યું છે. જંગલ સફારીમાં સિંહ દર્શન માટે ઓનલાઈન પરમીટ બુક કરાવવાની છે. ઓનલાઈન બુકિંગ શરૂ થયાને ગણતરીના દિવસોમાં જ આગામી ડિસેમ્બર માસ સુધીની મોટાભાગની તમામ પરમીટો બુક થઈ ગઈ છે. આ ઉપરાંત દિવાળીનાં મિનિ વેકેશન માટે પ્રવાસીઓએ અત્યારથી જ હોટલ બુક કરવાની શરૂઆત કરી દીધી છે. હોટલના સંચાલકોએ તહેવારોમાં ભાડાં પણ બમણાથી વધુ કરી દીધા છે.
ચોમાસાની સિઝન દરમ્યાન તા. 15 જુનથી સાસણની જંગલ સફારી ચાર માસ માટે બંધ કરવામાં આવે છે. આગામી તા. 16ના વહેલી સવારે સાસણના ડીસીએફ મોહન રામ, સ્થાનિક આગેવાનો દ્વારા લીલી ઝંડી આપી જંગલ સફારીનો વિધવત પ્રારંભ કરવામાં આવશે. સાસણ જંગલ સફારી માટે રજાના દિવસો સિવાય દરરોજ ૧પ૦ અને રજા કે તહેવારોમાં ૧૮૦ પરમીટ કાઢવામાં આવે છે. આ તમામ પરમીટો માત્ર ઓનલાઈન નીકળે છે. સિંહોનું વેકેશન ખુલવાની સાથે જ નવરાત્રીનો તહેવાર પણ શરૂ થશે.
વનરાજોનું વેકેશન ખુલતાની સાથે જ તહેવારોની સિઝન પણ શરૂ થઈ રહી છે. નવરાત્રી બાદ દિવાળીના મિનિ વેકેશનને લઈ અત્યારથી જ સાસણ જંગલ સફારી માટેની ઓનલાઈન પરમીટ બુક થઈ ગઈ છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે, નવરાત્રીથી લઈ દિવાળી અને ડિસેમ્બર માસ સુધીની મોટાભાગની ઓનલાઈન પરમીટ બુક થઈ ગઈ છે. દર વર્ષે સાસણમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓની સંખ્યામાં દર વર્ષે ઉતરોતર વધારો થાય છે. વધુમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે સાસણની મુલાકાતે રેકોર્ડ બ્રેક સાડા સાત લાખ જેટલા પ્રવાસીઓ આવ્યા હતા.
જંગલ સફારી ખુલે ત્યારથી લઈ ડિસેમ્બર સુધી સાસણમાં પ્રવાસીઓની ભારે ભીડ રહેશે. દિવાળીના તહેવારો દરમ્યાન સાસણ આવતા પ્રવાસીઓએ અત્યારથી જ હોટલ, ફાર્મહાઉસ, રિસોર્ટ, જંગલ કે દેવળીયા સફારીની ઓનલાઈન પરમીટ બુક કરાવવાનું શરૂ કરી દીધુ છે. હોટલોમાં પણ દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ભાડામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. હોટલોના ભાડા ચાલુ દિવસો કરતા દિવાળીના મિનિ વેકેશનમાં ડબલથી વધુ થઈ ગયા છે. ચાલુ વર્ષે જંગલ સફારીમાં જીપ્સીને બદલે 100 જેટલી નવી મોડીફાઈડ કાર પણ પ્રવાસીઓ માટે નવું નજરાણું છે.






Leave a comment