– થેલેસેમિયાના દર્દીઓને ૨૦૧ બોટલ રક્ત પૂરું પાડી જરૂરિયાત સંતોષાઇ
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં કાર્યરત થેલેસેમિયા સેન્ટરમાં સારવાર લેતા દર્દીઓને વિતેલા સપ્ટેમ્બર માસ દરમિયાન રક્તની ૨૦૧ બોટલની આવશ્યકતા ઊભી થતા હોસ્પિટલના બ્લડ બેન્ક દ્વારા સમયસર આ જરૂરિયાત સંતોષી શકાઈ હતી.
આ જરૂરિયાત ઉપરાં સ્ત્રીરોગ,સર્જરી,ઇમરજન્સી વિગેરે માટે જરૂરી રક્તનો જથ્થો કચ્છના રક્તદાતાઓના સહયોગથી પ્રાપ્ય બન્યો હતો,એમ બ્લડ બેન્કના હેડ ડો જિજ્ઞાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું.
જી.કે. જનરલ હોસ્પિટલમાં રોજ -બ -રોજ જુદા જુદા વિભાગો માટે આવશ્યક બ્લડ પૂરું પાડવા જિલ્લામાં વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરી તેમજ સ્થાનિક બ્લડ બેન્ક દ્વારા લોહી એકત્ર કરવામાં આવે છે અને તે મુજબ સપ્ટેમ્બર માસમાં નોંધપાત્ર કહી શકાય તેટલી ૧૩૭૩ યુનિટ અર્થાત ૪.૮૦ લાખ સી.સી. રક્ત ભેગું કરી હોસ્પિટલમાં આવશ્યકમંદ દર્દીઓને સહાયરૂપ બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, એવું બ્લડ બેન્કના રેસી.ડૉ પૂજા કાથરોટીયાએ કહ્યું હતું.
આ પ્રકારે કચ્છમાં કુલ ૭ કેમ્પ યોજવામાં આવ્યા હતા, એ અંતર્ગત ૧૧૨૧ યુનિટ રક્ત અને હોસ્પિટલમાં ઇન હાઉસ હેઠળ ૨૫૨ યુનિટ રક્તનો જથ્થો ઉલબ્ધ કરવામાં આવ્યો હોવાનું બ્લડ બેન્કના કાઉન્સેલર દર્શન રાવલે જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર સૌથી વધુ રક્ત ગાંધીધામ ખાતે મારવાડી યુવા મંચ અને પોલીસ વિભાગ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાંથી ૫૦૧ યુનિટ રક્ત પ્રાપ્ત થયું હતું.
આ ઉપરાંત ભુજ ખાતે સંત નિરંકારી, રઘુવંશી સોશિયલ ગ્રુપ, કચ્છ જિલ્લા પંચાયત અને રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર રાપર, ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચો, માતૃસ્પર્શ હોસ્પિટલ નખત્રાણા, વર્માનગર ભાજપ યુવા મોર્ચાનોસમાવેશ થાય છે.






Leave a comment