અદાણી મેડિકલ કોલેજમાં ભુજ બ્રહ્માકુમારી તપસ્યા ભવનના સહકારથી મોટીવેશનલ સ્પીકર અને નારી શક્તિ એવોર્ડ વિજેતા બી.કે. સિસ્ટર શિવાનીનું પ્રેરક ઉદ્બોધન

હોસ્પિટલને એવું તીર્થધામ બનાવો કે દર્દીને પ્રવેશતાં જ સાજા થઈ જવાની ઉર્જા પ્રાપ્ત થાય

એકમાત્ર ડોક્ટરનો જ એવો વ્યવસાય છે, જેમાં  સૌથી વધુ સૌથી વધુ દુઆ અને આશીર્વાદ મળે છે અને આ રીતે તેઓ વિશ્વના સૌથી વધુ શક્તિશાળી અને અમીર વ્યક્તિ છે એમ  ઇન્ટરનેશનલ સ્પિકર અને નારી શક્તિ એવોર્ડ વિજેતા બી.કે. સિસ્ટર શિવાનીએ ગેમ્સ ખાતે આયોજિત પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું.

મેડિકલ કોલેજના  ઓડિટોરિયમમાં  ભુજ બ્રહ્માકુમારી તપસ્યા ભવનના સહકારથી યોજાયેલા આ કાર્યક્રમમાં બોલતાં શિવાની સિસ્ટરે જણાવ્યું હતું કે, ડોક્ટર અને મેડિકલ જગત સાથે સંકળાયેલા તમામને દુઆ અને આશીર્વાદ મળે છે ત્યારે હોસ્પિટલને એવું તીર્થધામ બનાવવું જોઈએ કે જ્યાં દર્દી દરવાજામાં પ્રવેશે અને ત્યાંથી ડોક્ટર સુધી પહોંચતા દરેક તબક્કે તેમને આનંદરૂપી ઉર્જા પ્રાપ્ત મળે અને તેમને એવી લાગણી થાય કે, હું ચોક્કસ સાજો થઈ જઈશ.

તેમણે તબીબના વ્યવસાય અંગે કહ્યું કે ડોક્ટર ઈલાજ જરૂર કરે છે પરંતુ તેમનું વલણ જ  દર્દીને સાજો કરી આપે છે. માટે તબીબોએ ઈમોશનલ હેલ્થથી સજ્જ થવું જોઈએ. ઉપરાંત હોસ્પિટલને એક ગુસ્સા નિષેધ ઝોન બનાવવાની પણ તેમણે હિમાયત કરી હતી. 

વર્તમાન યુગની એક મોટી સમસ્યા સ્ટ્રેસ યાને તણાવ અંગે બોલતા તેમણે કહ્યું કે, હોસ્પિટલ એક એવું સ્થળ છે જ્યાં સૌથી વધુ પ્રેશર હોય છે કારણ કે ડોક્ટર કે સ્ટાફ સીધી રીતે વ્યક્તિની જિંદગી સાથે સંકળાયેલ હોય છે, ત્યારે તણાવ હોવો એ સ્વાભાવિક છે, પરંતુ સ્ટ્રેસ ત્યારે જ એક્ટિવ થાય છે જ્યારે વ્યક્તિ મન ઉપર લે છે સામાન્ય રીતે તણાવ બહારથી આવે છે પરંતુ આ આયાતી વ્યવહારને આપણે ગંભીરતાથી લેવાના બદલે હળવાશથી લેવામાં આવે તો સ્ટ્રેસ દૂર થઈ શકે છે.આ વાતને તેમણે ઉદાહરણ સહ સમજવી હતી.

દરેક સ્ટ્રેસના અલગ કારણો હોય છે એમ જણાવી શિવાની દીદી એ ઉમેર્યું કે, સ્ટ્રેસ લેનાર જ્યારે શાંત મનથી કારણ શોધે તો તે ચોક્કસ તેના ઉપર કાબુ પ્રાપ્ત કરી શકે છે અને આવેલા એક ખોટા પ્રેશરને આંતરિક શક્તિથી દૂર કરી દેવામાં સફળ થાય છે.

આ ઉપરાંત તેમણે આ વ્યવસાય સાથે સંકળાયેલી અનેક બાબતોને આવરી લેવાની પ્રેરણા આપતા કહ્યું કે કોઈપણ પરિસ્થિતિમાં ઉશ્કેરાઈ નહીં જવું તેમાંય જ્યારે દર્દી વિશ્વાસથી આવે ત્યારે ડોક્ટરને તો ઉશ્કેરાટ પાલવે જ નહિ. તેમણે સંકલ્પની શક્તિને અમાપ ગણાવી, રાત્રે સૂતા અને સવારે ઉઠતાં લેવાના સંકલ્પો આપ્યા હતા. તેમણે હોસ્પીટલમાં ચાલતા કિચનમાં પણ સકારાત્મક ઊર્જાનો સંચાર કરવાની પ્રેરણા આપી હતી. જીવનને સકારાત્મક બનાવવા ધ્યાન યોગ ઉપર ખાસ ભાર મૂક્યો હતો.

પ્રારંભમાં બી.કે.શિવાનીએ દીપ પ્રાગટય કર્યું હતું.મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડૉ.બાલાજી પિલ્લાઈએ શિવાનીજીનું સન્માન કર્યું હતું.

જ્યારે હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ.ડો.નરેન્દ્ર હિરાણી,ડીન ડો. એ.એન.ઘોષ તથા બાળરોગ વિભાગના હેડ ડો.રેખાબેન થડાનીએ ઉપસ્થિત નિહાદીદી, નિતાદીદી તેમજ રક્ષાદીદીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે અદાણી હેલ્થ કેરના સી.ઈ.ઓ.પ્રશાંત ઝવેરી, તબીબો, હેલ્થ સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Trending