જ્યારે પણ માનસિક સ્વાસ્થ્યની વાત નીકળે ત્યારે પુખ્ત વયના લોકોની જ ચર્ચા થાય છે, પરંતુ હવેના ભાગદોડ અને હરિફાઈના જમાનામાં બાળકો પણ માનસિક રીતે અસ્વસ્થ થતા હોવાનું પ્રમાણ ઝડપભેર વધી રહ્યું છે એમ,જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના મનોચિકિત્સક વિભાગના તબીબોએ દર વર્ષે ૧૦મી ઓક્ટોબરના રોજ ઉજવાતા માનસિક સ્વાસ્થ્ય દિન નિમિત્તે જણાવ્યું હતું.
જી.કે. જનરલના મનોચિકિત્સક વિભાગના હેડ. ડો. મહેશ ટીલવાણીએ કહ્યું કે,અત્રે આવતા સો માનસિક દર્દીઓ પૈકી પાંચ જેટલા ચેરી બાળકો માનસિક બીમારીથી ગ્રસિત હોય છે. તેમણે કહ્યું કે, દેશમાં ૧૪ ટકા બાળકો ડિપ્રેશનમાં જીવે છે. આવું થવાનું મુખ્ય કારણ સ્માર્ટફોન ઉપર સતત સર્ફિંગ અને ભણતરનો ભાર અને કારકિર્દીની ચિંતા છે. વિટંબણા તો ત્યાં છે કે તેમને સ્માર્ટ ફોન અંગે સાચી વાત કોઈ જણાવતું નથી.
તેમણે જણાવ્યું કે, શાળામાં બાળકોને બીજા બાળકો દ્વારા કરાતી પરેશાની ઉપરાંત આજના વ્યસ્ત યુગમાં અને વિભક્ત કુટુંબની સંસ્કૃતિમાં માતા-પિતા પાસે બાળકો માટે સમય જ નથી હોતો જે બાળકોમાં ડિપ્રેશન લાવવાનું કારણ બની જાયછે.ક્યારેક બાળકને આત્મ સન્માનની એવી ચોટ લાગે છે કે બાળકનું માનસિક સ્વાસ્થ્ય કથળી જાય છે.
મનોચિકિત્સક ડો.શિવાંગ ગાંધી અને ડો. રિદ્ધિ ઠક્કરે કહ્યું કે, માનસિક દર્દીઑમાં વિચિત્ર લક્ષણો જોવા મળે છે જેમ કે, મોબાઇલ માટે જીદ કરવી, બુમો પાડવી, વડીલોની વાત જ ના સાંભળવી, ગુસ્સો કરવો વિગેરે છે. જો આવું જણાય તો તાત્કાલિક મનોચિકિત્સકની સલાહ લેવી આવશ્યક છે, અન્યથા આવા બાળકો આગળ જતા માનસિક રીતે આસ્વસ્થ બની જાય છે અને અને વધુ વિચારવાની તેમજ ગભરાટની બાબતો સામાન્ય બની જાય છે.
જો દર્દીમાં માનસિક રોગ જણાય તો જી.કે.માં દવા ઉપરાંત માનસિક થેરાપીની સારવાર પણ આપવામાં આવે છે. ઉપરાંત કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. કેટલીક બાબતો વડીલોએ પણ ધ્યાનમાં રાખવી જોઈએ એવું જણાવી તબીબોએ કહ્યું કે, નાના બાળકોને સ્માર્ટફોન ના આપવા,તેમની સાથે પિકનિક અને શોપિંગમાં જવું, દિવસમાં એક વખત બાળક સાથે બેસીને જમવું વિગેરે બાબતો અકસીર પુરવાર થતી હોય છે.
આમ તો વિશ્વમાં ૨૮ કરોડ લોકો માનસિક રોગથી પીડાય છે.કદાચ આંકડા આનાથી પણ વધુ હોય શકે કેમકે શરમ, સંકોચને કારણે સારવાર લેવાનું ટાળે છે.આ મગજના જ્ઞાનતંતુની ખામી છે.આ રોગ માટે સલાહ સૂચન નહિ પણ સારવાર ની જરૂર છે.






Leave a comment