વિશ્વમાં મગફળી ઉત્પાદનમાં નં. 2 પર રહેલા દેશમાં મગફળી ઉત્પાદનમાં 40થી 46 ટકા હિસ્સા સાથે નં. 1 ઉપર રહેલા ગુજરાતમાં સતત પાંચમા વર્ષે મગફળીનું ઉત્પાદન 41 લાખ ટનને પાર થવાનો અંદાજ મુકાયો છે. ગત ચાર વર્ષથી વર્ષે સરેરાશ 44 લાખ ટન મગફળી ગુજરાતમાં પાકતી રહી છે.
ચાલુ વર્ષે ગુજરાતના કૃષિ વિભાગના અંદાજ મૂજબ માત્ર ખરીફ ઋતુની મગફળીનું ઉત્પાદન 39.92 લાખ ટન અંદાજાયું છે. મગફળી રાજ્યમાં ઉનાળામાં પણ વવાતી હોય છે, જો કે તેમાં વાર્ષિક ઉત્પાદનના આશરે 10 ટકા જ હિસ્સો હોય છે. અપેડાના છેલ્લા ઈ.સ. 2019-20ના આંકડા મૂજબ 46.45 લાખ ટન મગફળી ઉત્પાદન સાથે દેશમાં 46.48 ટકા હિસ્સો ગુજરાતનો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વર્ષમાં ગુજરાતમાં મગફળીના સર્વાધિક ઉત્પાદનનો વિક્રમ સર્જાયો હતો. ગુજરાત પછી બીજા નંબરે રાજસ્થાન અને ત્યારબાદ આંશિક રીતે આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, કર્ણાટકમાં મગફળીનો પાક લેવાય છે.
ગત આઠ વર્ષમાં મગફળીનું ઓછુ ઉત્પાદન ઈ.સ. 2016-17માં 28.74 અને સૌથી ઓછુ ઈ.સ. 2018-19માં 22.03લાખ ટન થયું હતું, જો કે તે સમયે પણ સિંગતેલ આટલી હદે મોંઘુ થયુ ન્હોતું. મગફળીમાંથી હાલ ગુજરાતમાં વર્ષે 9થી 10 લાખ ટન સિંગતેલ ઉત્પન્ન થાય છે પરંતુ, ગત એક વર્ષથી તેના ભાવ સતત ઉંચી સપાટીએ રખાય છે અને તેના પગલે લોકો સૂર્યમુખી જેવા સાઈડ તેલો તરફ વળ્યા છે. ચોમાસામાં વવાયેલી મગફળી તૈયાર થઈને સુકાઈને બજારમાં ધોધમાર ઠલવાઈ રહી છે, રાજકોટમાં ખુલ્લા મેદાનમાં મગફળીના ઢગલા થવા લાગ્યા છે, યાર્ડના સૂત્રો અનુસાર 17,000 ગુણીની આવક થઈ છે. ગોંડલ સહિત અન્ય યાર્ડોમાં પણ ટનબંધ મગફળી ઠલવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રિથી દિવાળી સુધી મગફળીની સીઝન ગણાતી હોય છે. રાજકોટમાં મગફળીના પ્રતિ મણ ગુણવત્તા મૂજબ રૂ।. 1000થી રૂ।. 1400ના ભાવ ખેડૂતોને મળે છે. મગફળીની આવક વધવા સાથે સિંગતેલના ભાવમાં તા.2-10-2023થી સતત ઘટાડો થયો છે અને આજે વધુ રૂ।. 15 ઘટીને ડબ્બાના રૂ।. 2785-2835 થયા છે. આ એક સપ્તાહમાં રૂ।. 100નો ઘટાડો થયો છે.






Leave a comment