જી. કે. જન.અદાણી હોસ્પિ.ના ચક્ષુ નિષ્ણાતોએ કહ્યું આંખના જતન માટે સ્ક્રિન ઉપર કામના સમયે ૨૦-૨૦-૨૦ની ફોર્મ્યુલા ઉપયોગી

૪૦ વર્ષ પછી દૃષ્ટિનું નિયમિત ચેક અપ થાય તો આંખને ઘણે અંશે બચાવી શકાય

જો આંખમાં થકાવટ,તણાવ, આંખ ઝીણી કરીને જોવું પડતું હોય, આંખમાં વારંવાર પાણી આવતું હોય, ડબલ અને ધૂંધળી દૃષ્ટિ, આંખ લાલ થવી જેવા લક્ષણો દેખાય તો  આંખના તબીબ સાથે ચોક્કસપણે સલાહ મસલત કરવી જોઈએ.

જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના  આંખના તબીબોએ વિશ્વ દૃષ્ટિ દિવસ(૧૨મી ઓક્ટો.)નિમિતે જણાવ્યું હતું કે, ૪૦ વર્ષ પછી તો દરેક રીતે આંખનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.કેમકે આંખની બીમારી જેવી કે,મોતિયો,ઝામર થઈ શકે છે.તેમાંય જો ડાયાબિટસ અને બી.પી.હોય તો ચોક્કસ સાવધ થવાની જરૂર છે.આવી સમસ્યા નિયમિત ચકાસણી દ્વારા જ જાણી શકાય.

મોતિયાનું સામાન્ય લક્ષણ ઝાંખું દેખાવું છે. જ્યારે ઝામરમાં ઝાખું દેખાવાની સાથે આંખ અને માથામાં દુખાવો, આંખો લાલ થવી, ચક્કર આવવા, વિગેરે સમસ્યા વધવા લાગે છે. હવે તો ઝામર અને મોતિયો બાળકોમાં પણ જોવા મળે છે. કીકી પણ નબળી પડતી હોય છે. તેમાં ફોલો પડે છે.

આવી બાબતો સામે આગોતરી સાવધાની રાખવા અંગે તબીબોએ સૂચવ્યું કે, દિવસમાં ૩-૪ વખત આંખ બંધ કરી પાણી છાંટવું. ડોક્ટરની સલાહ વિના કોઈપણ આંખના ટીપાંનો ઉપયોગ ન કરવો, આંખને બેક્ટેરિયાથી બચવા હાથ નિયમિત ધોવા, આહારમાં દૂધ, માખણ, ગાજર, ટામેટાં, લીલા શાકભાજી, ફળો, પૂરતું પાણી પીવું, જરૂરી ઊંઘ વિગેરેથી આંખોનું જતન કરી શકાય. ડાયાબિટસ નિયંત્રણમાં રાખવું.

વર્તમાન યુગમાં આંખ માટે નુકસાનકર્તા હોય તો તે સ્ક્રિન અને તેના ઉપર ઉપર કામ કરવાનું છે, પરંતુ જો તેના ચોક્કસ અને વૈજ્ઞાનિક નિયમોનું પાલન કરવામાં આવે તો રાહત મળી શકે છે. જી.કે.ના તબીબોએ કહ્યું કે, ૨૦-૨૦-૨૦ની ફોર્મ્યુલા કારગર સાબિત થઈ શકે છે, જેમાં સ્ક્રિન ઉપર કામ કરતી વખતે પ્રતિ ૨૦ મિનિટ બાદ, ૨૦ ફૂટના અંતરે ૨૦ સેકંડ આંખ પટપટાવાય તો રાહત રહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ દુનિયામાં દૃષ્ટિ દોષના નિવારણ માટે કામના સ્થળે આંખને સુરક્ષિત રાખી કામ કરવા વર્ષ ૨૦૨૩ માટે ‘love your eyes at work’,થીમ આપી છે. 

Leave a comment

Trending