– મહર્ષિ ચરકના શપથ સાથે નવા ૧૫૦ વિદ્યાર્થીઓએ કર્યો મેડિકલ કારકિર્દીનો પ્રારંભ
અદાણી મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ. અંડર ગ્રેજુએટ માટેની ૧૫મી બેચનો સફેદ કોટ પરિધાન ગ્રહણના સંસ્કાર સાથે પ્રારંભ થયો હતો અને ૧૫૦ ભાવિ તબીબોએ મહર્ષિ ચરકના શપથ લઈ,ઉમદા વ્યવસાયની ગરિમા જાળવવાના શપથ લીધા હતા.
મેડિકલ કોલેજના સભાખંડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૩ની નવી બેચના વિદ્યાર્થીઓને અદાણી હેલ્થ કેર ગ્રુપના ચેરમેન ડૉ.પંકજ દોશીએ વર્ચ્યુઅલ ઉદબોધન કરતા કહ્યું કે,મેડિકલ એક ઉમદા વ્યવસાય છે,પરંતુ તેની સાથે અપેક્ષા અને જવાબદારી જોડાયેલી છે. તેથી કારકિર્દીની આ યાત્રામાં સખત મહેનત,સમર્પણ જરૂરી છે.
મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડૉ.બાલાજી પિલ્લાઈએ આ સફેદ કોટ પરિધાન પ્રસંગે જણાવ્યું કે,આ સંસ્થામાં વિદ્યાર્થીઓ સલામત ઝોનમાં છે અને મેનેજમેન્ટ પૂરતું ધ્યાન આપવા પ્રતિબધ્ધ છે, ત્યારે વાલીઓએ પણ એટલાજ ક્રિયાશીલ બનવું પડશે. તેમણે કૉલેજમાં મેડિકલના અભ્યાસ ઉપરાંત અત્રે ચાલતા સંકલિત વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપતા કહ્યું કે, અભ્યાસ ની સાથે વિદ્યાર્થીઓને કરુણા અને માનવીય સંબંધો કેમ વિકસાવવા એ બાબત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. એટલે જ ડોક્ટર માત્ર તપાસ કરનાર નહીં પણ સંવેદનશીલ બને તે જરૂરી છે.
આ પ્રસંગે ચીફ મેડિકલ સુપરિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હિરાણીએ મહર્ષિ ચરકના શપથ નવોદિતોને લેવડાવ્યા હતા.
પ્રારંભમાં મેડિકલ કોલેજના ડીન ડૉ. એ.એન.ઘોષે આવકાર પ્રવચનમાં કોલેજની શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પરિચય કરાવ્યો હતો અને વિદ્યાર્થીઓને સમૃદ્ધ મેડિકલ જ્ઞાન મળે તેમજ તેમનાં સુંદર ભવિષ્ય માટે સંસ્થા પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમની સાથે એમ.બી.બી.એસ.ના વર્ગોમાં ઉતીર્ણ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તેમજ ઈતર પ્રવૃત્તિમાં સુંદર દેખાવ કરનારને મેડલ અને પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ફિઝીઓલોજીના પ્રોફે.ડો. પારસ પારેખના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા મેડ્રોન મેગેઝિનનું વિમોચન કરવામાં આવ્યું હતું. આસિ. ડીન ડો.અજિત ખીલાનાની,અધિક મેડી.સુપ્રિ.ડો.વિવેક પટેલ, તબીબો,વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ ઊપસ્થિત રહ્યા હતા. નવા વિદ્યાર્થીઓ પૈકી વરુણ પટેલ અને ખુશી ઓડેદરાએ પ્રતિભાવ આપ્યા હતા.






Leave a comment