નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. ભક્તિ ભાવ સાથે ઉજવાતી નવરાત્રિ આરોગ્ય વિજ્ઞાન સાથે પણ જોડાયેલી છે. આ સપરમાં દિવસોમાં ખાનપાનમાં સાત્વિક બદલાવ આવે છે, પરિણામે તન – મન શુધ્ધ થાય છે અને આરોગ્યના અનેક લાભ પણ થાય છે.પરંતુ એ યોગ્ય રીતે લેવાય તો જ ફાયદો થાય છે.
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના ડાયેટીશ્યન અનિલાબેન પરમારના જણાવ્યા પ્રમાણે જી.કે.માં ઉપવાસ દરમિયાન ધ્યાન રાખવા અને વ્રતમાં ખાદ્ય નિયમોના પાલન માટે લોકો સલાહ લેવા માટે આવે છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં ફળનું સેવન કરવામાં આવે છે ત્યારે ફળોની સાથે એકાદવાર ખજૂર, બદામ, મગફળી ખાઈ શકાય છે જેથી આખો દિવસ શરીરમાં ઊર્જા રહે છે.
જો કોઈ બીમારી હોય તો તબીબોની સલાહ લઈ ઉપવાસ કરવા જોઈએ અને એ મુજબ જ દવા ડોક્ટર દ્વારા આપવામાં આવે છે. સુગર વધુ યા કમ થવી ન જોઈએ. વજન, ઊંચાઈ અને બી.એમ.આઇ. પ્રમાણે તબીબો ખોરાક અંગે ડોક્ટર સલાહ આપે છે,જેનું પાલન કરવું જોઈએ. હંમેશા વ્યક્તિને પોતાના શરીરની તાસીર મુજબ જ કયો ખોરાક યોગ્ય છે કે નહીં તેનો ખ્યાલ રાખી ઉપવાસ કરવો.
આ દિવસોમાં તાપમાનમાં ફેરફાર થયા કરે છે તેથી સતર્ક રહેવું જરૂરી છે. પાણી ખૂબ પીવું. લીંબુ પાણી પીવાથી શરીરમાં વિટામિન, ઈલેક્ટ્રોલાઇટ અને હાઇડ્રેશન પ્રમાણસર રહે છે અને તાપમાનની અસર શરીર ઉપર થતી નથી. નવરાત્રિના ઉપવાસ દરમિયાન ધ્યાન પ્રાણાયામ કરવા જોઈએ, કારણકે યોગ્ય રીતે યોગ અભ્યાસ કરવામાં આવે તો શરીરને લાભ થાય છે. સૂર્ય નમસ્કાર પણ શરીરને સંતુલિત રાખે છે.
અન્ય ડાયેટીશ્યન પૃથ્વીબેન લખલાની અને ઉર્વિ મોતાએ જણાવ્યું કે, કેટલીકવાર ઉપવાસ દરમિયાન બહારથી વ્રતનું ભોજન મંગાવીને ખવાય છે, જે તબિયત માટે હાનિકારક છે. બહારના ભોજનમાં સોડા, અખાદ્ય તેલ અને મીઠાઈ ઘણીવાર શરીરને નુકસાનકારક સાબિત થાય છે અને અપાચ્ય હોય છે, ત્યારે જેટલો તાજો, પ્રાકૃતિક, સુપાચ્ય ખોરાક ખવાય એટલું યોગ્ય રહેશે. જો બહારનો ખોરાક ખવાય તો ઉપવાસ એક્ટાણાનું કોઈ ઔચિત્ય રહેતું નથી.






Leave a comment