ઈઝરાયેલે બીજો મોરચો ખોલ્યો

આતંકી સંગઠન હમાસે ઈઝરાયેલ પર કરેલા હુમલા બાદ ઈઝરાયેલ ગાઝા પર વળતા હુમલા કરી રહ્યુ છે.આ દરમિયાન લેબેનોનના આતંકી સંગઠન હિઝબુલ્લાએ પણ હમાસને સાથ આપવા માટે ઈઝરાયેલ પર હુમલા શરુ કર્યા હતા.હવે ઈઝરાયેલે બીજો મોરચો ખોલીને હિઝબુલ્લાના આશ્રયસ્થાનોને પણ ટાર્ગેટ કરવા માંડ્યા છે.

લેબેનોનમાં ઈઝરાયેલની વાયુસેનાએ આખી રાત હિઝબુલ્લાના આશ્રયસ્થાનો પર બોમ્બમારો કર્યો હતો.ઈઝરાયેલની વાયુસેનાએ લેબેનોનમાં ઘુસીને  બોમ્બ વરસાવ્યા હતા.

ઈઝરાયેલ અને લેબેનોની બોર્ડર પર પણ અથડામણો થઈ છે.જેમાં લેબેનોન પક્ષના 10 લોકો માર્યા ગયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.ઈઝરાયેલની સરકારે આ બોર્ડર પર વસેલા 28000 જેટલા લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવાનુ શરુ કરી દીધુ છે.જેના પગલે ઈઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે પણ જંગ ઉગ્ર બને તેવી અટકળો થઈ રહી છે.

ઈઝરાયેલે આખી રાત હિઝબુલ્લાને ટાર્ગેટ કરીને બોમ્બ વરસાવ્યા તે પહેલા ઈરાનના વિદેશ મંત્રીએ ઈઝરાયેલને ગાઝા પર હુમલા રોકવા માટે અપીલ કરીને ધમકી પણ આપી હતી કે, જો હિઝબુલ્લા સંગઠન આ લડાઈમાં કુદી પડ્યુ તો યુધ્ધ બીજા દેશોમાં પણ ફેલાઈ શકે છે .

એવો અંદાજ છે કે, હિઝબુલ્લા પાસે દોઢ લાખ રોકેટ અને મિસાઈલ્સ છે.કેટલીક મિસાઈલ્સ એવી છે જેની રેન્જમાં ઈઝરાયેલના તમામ શહેરો છે.આ સંગઠન પાસે ડ્રોન હોવાનુ પણ કહેવાય છે.હિઝબુલ્લા સંગઠનને ઈરાનનુ સંપૂર્ણપણે પીઠબળ છે.

Leave a comment

Trending