હવામાન વિભાગ અનુસાર દક્ષિણ-પૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપની આસપાસ એક સિસ્ટમ હેઠળ ચક્રવાત તૈયાર થઇ રહ્યો છે, જેને લીધે આવનારા 48 કલાકમાં અરબ સાગરમાં લો-પ્રેશરની આગાહી કરવામાં આવી છે. જો આની ઝડપ વધી તો ચોમાસા બાદ આ પ્રથમ ચક્રવાત હશે. સંભવિત ચક્રવાતની આગાહીથી વૈજ્ઞાનિકો સચેત બન્યા છે.
દરમ્યાન, એક હવામાન તજજ્ઞે આગામી પાંચ દિવસ કચ્છ સહિત ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. રાષ્ટ્રીય હવામાન ખાતા (આઇએમડી) અનુસાર આ સિસ્ટમ હાલમાં લક્ષદ્વીપ, દક્ષિણ -પૂર્વના નિકટવર્તી વિસ્તારો અને કરેળના કિનારા પર પશ્ચિત-ઉત્તર- પશ્ચિમ તરફ આગળ વધી રહી છે.
હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાક દરમ્યાન હવાનું હળવું દબાણ ઉત્પન્ન થશે, જે 21મી ઓક્ટોબરની આજુબાજુ અરબ સાગરની મધ્યમાં જોવા મળે એવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, દરિયાનું તાપમાન વધવાથી ઓક્ટોબર અને ડિસેમ્બરની વચ્ચે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચક્રવાતને અનુકૂળ વાતાવરણ રચાય છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકો આ સંભવિત ચક્રવાત પર નજર રાખી રહ્યા છે.
દરમ્યાન ગુજરાતના એક હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં વાવાઝોડાં આકાર લેશે, જે 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આ વાવાઝોડું મજબૂત હશે. તેને ઉત્તર-પૂર્વીય પવનોની ગતિ મળશે અને બંગાળના ઉપસાગરનો ભેજ મળશે, જેના કારણે આ સિસ્ટમ મજબૂત બનવાથી પશ્ચિમ ઘાટ પર ગોવાથી નીચેના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
તેમણે એમ પણ કહ્યું કે, એક પછી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, ત્યારે 19 ઓક્ટોબર સુધીમાં દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, એમપી તેમજ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. 22 ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે.






Leave a comment