જિલ્લા ફુડ વિભાગ દ્વારા સપ્ટે.માં રેગ્યુલર ભાવનગર અને બોટાદમાંથી વિવિધ ખાદ્ય પદાર્થના ૨૭ અને સર્વેલન્સમાં ૧૦૩ નમૂના લઇ લેબ ટેસ્ટીંગ માટે મોકલાયા હોવાનું જણાયું છે.
લોકોના આરોગ્યપ્રદ ખોરાક મળે અને ભેળસેળ અટકાવવા જિલ્લા ફુડ વિભાગ કાર્યરત છે. તંત્ર દ્વારા ગત માસમાં દૂધ, ખાદ્ય તેલ, ફરસાણ, બટર મિલ્ક, ઘી, અથાણા, અનાજ-કઠોળ સહિતના કુલ ૨૭ નમૂના લેવાયા હતાં. સર્વેલન્સ અંતર્ગત ભાવનગરમાંથી દૂધના ૬, ઘીના ૨, તેલના ૮, અથાણાના ૧, અનાજ કઠોળના ૨૭, ખાંડના ૨, મીઠાના ૨, મરી-મસાલાના ૩, ફરસાણના ૨, બેકરી પ્રોડક્ટના ૨, ચાના ૨, તૈયાર ખોરાકના ૨, બટર મિલ્ક-૧ અને અન્ય ૩૫ મળી ૯૬ અને બોટાદમાંથી ૭ નમૂના વિવિધ એકમોમાંથી એકત્ર કરવામાં આવ્યા હતા અને લેબોરેટરી ટેસ્ટીંગ માટે મોકલી દેવાયા હોવાનું જાણવા મળેલ છે. એક તરફ નવરાત્રી અને આગામી દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને ખાણી-પીણીની મૌસમ ખીલતી હોય છે. ફરસાણ અને મીઠાઇના ઉપાડ સ્વાભાવિક વધુ જોવા મળે ત્યારે ફુડ વિભાગ દ્વારા પણ આવા સમયે વિશેષ કાળજી રાખવી ઘટે છે. જો કે અગાઉના ટેસ્ટીંગ રિપોર્ટ આવ્યા હતા જેમાં બોટાદના ૧૩ અને ભાવનગરના ૪૪ નમૂના પાસ થવા પામ્યા હતાં. જો કે, હાલના તહેવારોના સમયમાં તળવાની આઇટમમાં તેલની ગુણવત્તા પણ ચકાસવામાં આવે તે જરૂરી બન્યું છે. ઘણા વેપારી એકના એક જ તેલમાં અવનવી આઇટમો બનાવી રહ્યા છે.






Leave a comment