જી. કે. જનરલ અદાણી હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબોએ હાડકાં કઈ રીતે કમજોર થાય છે અને તેના ઉપાય અંગે માર્ગદર્શન આપ્યું

વર્તમાન યુગમાં ધીમે ધીમે હેલ્થ અંગે જાગૃતિ આવતી જાય છે, પરંતુ આજે પણ લોકો ઘણીવાર હાડકાંની સ્વસ્થતાને નજર અંદાઝ કરે છે, જે આગળ જતા ભારે પડી શકે છે. ઉપરાંત હાડકાંની બીમારી ઉંમર વધવાની સાથે પણ વધવા લાગે છે. જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબોએ હાડકાં કઈ રીતે કમજોર થાય છે અને તેના ઉપાય અંગે માર્ગદર્શન આપ્યું હતું. 

જી.કે.ના ઑર્થો વિભાગના સર્જન ડો. વિવેક પટેલે વિશ્વમાં ૨૦મી. ઓક્ટોબરના રોજ ઉજવાતા વર્લ્ડ ઓસ્ટીયોપોરોસિસ દિવસ નિમિત્તે જણાવ્યું હતું કે, આ રોગના સકંજામાં આવી જવાથી હાડકાં એટલા નબળા પડી જાય છે કે,જેથી ફ્રેક્ચર આસાનીથી થઈ જવાનો ભય રહે છે. આ સ્થિતિથી બચવા શરીરમાં ખનીજની પૂરતી જરૂરિયાત હોવી જરૂરી છે.

આ રોગમાં હાડકાનું ઘનત્વ (ડેન્સિટી)ઓછું થાય છે અને તેમાં ખનીજની માત્રા ઓછી થવા લાગે છે. એટલે જ હાડકાં તૂટવાનો ભય વધી જાય છે.  મહિલાઓમાં તો આ જોખમ વધુ હોય છે, જેનું એક કારણ હોર્મોન્સની અનિયમિતતા જવાબદાર હોય છે. ઉપરાંત મહિલાઓમાં રજોનિવૃત્તિ પછી  એસ્ટ્રોઝનનું સ્તર ઓછું થાય ત્યારે પણ આ સમસ્યા વધી જાય છે,એમ આ વિભાગના સર્જન ડો.ઋષિ સોલંકીએ જણાવ્યું હતું.

સામાન્ય કહી શકાય તેવા મુખ્ય કારણ અંગે ઓર્થો સર્જન ડો.નવીન ગાગલે કહ્યું કે, વ્યક્તિની શારીરિક નિષ્ક્રિયતા, કેલ્શિયમ અને વિટામિન ડી ની કમી, ધુમ્રપાન, આલ્કોહોલ, તેમજ સ્ટીરોઇડનું સેવન તેમજ  હાડકાંના તેમજ સાંધાની બીમારી જવાબદાર છે.

આવું ન થાય એ અંગે ઉપાયો સૂચવતા તબીબોએ જણાવ્યું હતું કે, શારીરિક સક્રિયતા વધારવી,વોકીગ કરતા રહેવું, ખાનપાનમાં કેલ્શિયમ અને સામેલ કરવું,  સ્તનપાન કરાવતી અને ગર્ભવતી મહિલાઓએ પોષણયુક્ત આહાર લેવો, ધુમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવું અને હાડકાંની નિયમિત તપાસ કરાવતા રહેવું જોઈએ.

ખોરાક અને જીવનશૈલી કેવી હોવી જોઈએ એ અંગે તબીબોએ કહ્યું કે, કેલ્શિયમ યુક્ત પદાર્થોનું સેવન કરવું, અખરોટ, બદામ લેવાં,લીંબુ અને સંતરાના શરબત પણ હાડકાંને મજબૂત કરે છે. સૂર્યના કિરણો વિટામીન ડીના મુખ્ય સ્ત્રોત હોતા કૂણો તડકો લેવો. આ ઉપરાંત દૂધ, દહીં, પનીર પણ   મદદરૂપ થાય છે. તબીબોના મત મુજબ દર ત્રીજી મહિલા અને પાંચમો પુરુષ હાડકાંની બીમારીથી ત્રસ્ત છે.

Leave a comment

Trending