– ૩ વર્ષની દીકરીને ઊભા રહેવામાં પગ ધ્રુજતા પણ ૪ મહિનાની કસરતના અંતે ચાલવા લાગી
જી. કે. જનરલ હોસ્પિટલમાં માત્ર ત્રણ વર્ષની દીકરીને જન્મથી જ હાથમાં અને ચાલવામાં પડતી તકલીફને ચાર મહિનાની લાંબી ફિઝીયો કસરતના અંતે દૂર કરી દેવામાં હોસ્પિટલના ફિઝીયોથેરાપી વિભાગને સફળતા મળી છે.
જી. કે. જનરલ હોસ્પિટલના ફિઝિયોથેરાપીસ્ટના જણાવ્યા મુજબ ભુજની ત્રણ વર્ષની અલીનાના માતા પિતાએ જુદી જુદી ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવવા પ્રયત્નો કર્યા, પરંતુ પ્રતિસાદ ના સાંપડતા જી.કે.નો સંપર્ક કર્યો હતો અને આ વિભાગે ઓર્થો અને બાળરોગ વિભાગ સાથે પરામર્શ કરી કસરતની સારવાર શરૂ કરી હતી, એમ ડો.અદિતિબા ચુડાસમાએ કહ્યું હતું
જી.કે.ના ફિઝીયોથેરાપિસ્ટ ડો.પૂજા ગોર, ડો.શિવાની શાહના જણાવ્યા મુજબ બાળકીને અત્રે લાવવામાં આવી ત્યારે, હાથમાં કોઈ વસ્તુ પકડી શકાતી ન હતી તેમજ જો ઉભી રહેવા જાય તો બને પગ ધ્રુજવા લાગતા હતા. આવી પરિસ્થિતિમાં પગની કસરત, હેમસ્ટ્રિંગ સ્ટ્રેચિંગ, તેમજ બેલેન્સિંગ એક્સરસાઇઝ જેવી સતત ચાર મહિના કસરત કરાવીને બાળકીને ઉભા રહેવા કે ચાલવાની તકલીફ દૂર કરવામાં સફળતા મળી છે. જો કે હજુ કસરત ચાલુ જ રાખવામાં આવી છે.એમ ડો.દિતી ઠક્કરે કહ્યું હતું.
ફિઝિયોથેરાપિસ્ટના જણાવ્યા મુજબ આમ તો આ પેરાપરેસીસ એટલે કે એક પ્રકારના પક્ષઘાતનો હુમલો કહી શકાય, પરંતુ માતા-પિતાને આવો કોઈ અંદાજ નથી કે, આવું ક્યારે બન્યું એટલે કદાચ જન્મ સમયે આવી કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય એવું પ્રાથમિક તારણ ઉપરથી જણાતું હતું.






Leave a comment