– ભારતના 1 અને ચીનના 4 ગામોને એવોર્ડ જાહેર
સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઈ.સ. 2021થી વૈશ્વિસ સ્તરે પ્રવાસનને ઉત્તેજન આપવા અપાતો એવોર્ડ આ વર્ષે સમગ્ર ભારતમાં માત્ર એક ગામને, ગુજરાતના કચ્છ જિલ્લાના ધોરડોને મળ્યો છે. વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની સૂચિમાં ધોરડોનું નામ અંકિત થયું છે.
ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે ગત તા. 19ના વિશ્વ પ્રવાસન સંગઠનની એવોર્ડ સેરેમનીમાં આ જાહેરાત કરાઈ હતી જેને વડાપ્રધાન સહિત સૌ કોઈએ આવકારી છે. વિશ્વના કૂલ 260 ગામોની એન્ટ્રી આવી હતી તેમાંથી કૂલ 54 ગામો પસંદ કરાયા છે જેમાં ભારતનું એક ગામ ધોરડો ઉપરાંત ચીનના 4 ગામોનો સમાવેશ થાય છે. WTO ગામોની પસંદગી તેના સાંસ્કૃતિક વારસા, કુદરતી સંસાધનો અને તેના રક્ષણ, પ્રોત્સાહન, આર્થિક ટકાઉપણુ, સામાજિક સ્થિરતા, પર્યાવરણીય રીતે ટકી રહેવું વગેરે 9 માપદંડોને આધારે નક્કી થાય છે. વડાપ્રધાને ધોરડોની ઈ.સ. 2009 અને 2015માં મુલાકાત પણ લીધી હતી. આ ઉપરાંત ભારતના મદલા ગામને અપગ્રેડ પ્રોગ્રામ માટે પસંદ કરાયું છે.
રાજકોટથી વાયા સામખિયાળી,ભૂજ થઈને 307 કિ.મી.ના અંતરે, ભૂજથી 80 કિ.મી.ના અંતરે આવેલ ધોરડો એક નાનકડું ગામ છે પરંતુ, સાંસ્કૃતિક રીતે અને આતિથ્ય સત્કારનો સમૃધ્ધ વારસો ધરાવે છે.ત્યાંના રહેવાસીઓની ભરતગુંથણ,હસ્તકલા પણ અગ્રેસર રહી છે તો ઈ.સ. 2006થી ગામથી માંડ એકીાદ કિ.મી.ના અંતરે આવેલ સફેદ રણને લઈને ઈ.સ. 2006થી ત્યાં સરકાર દ્વારા રણોત્સવ ઉજવાય છે જેનો ગત વર્ષ ઈ.સ. 2022-23 માં 2.42 લાખ પ્રવાસીઓએ લાભ લીધો હતો તેમ અત્રે સરકારી સૂત્રોએ જણાવ્યું છે.






Leave a comment