– મૌસમ વિભાગનું બુલેટીન જારી, બંગાળની ખાડીમાં પણ લો પ્રેસર હાલ ખતરો રાજ્યથી ઘણો દૂર હોવાનું સૂચવતા ડીસી-1 સિગ્નલ કેરલથી કચ્છના દરિયાકાંઠા પર લગાડવા સૂચના
અરબી સમુદ્રમાં ખૂબ ઝડપથી લો પ્રેસર આજે ડીપ્રેસનમાં ફેરવાઈ ગયું છે અને આગામી ચોવીસ કલાકમાં પવનની ચક્રાકાર ગતિ હાલ 55-65 કિ.મી.થી વધારીને 70- 89 KM ની થઈ સાયક્લોનિક સર્ક્યુલેશન (વાવાઝોડા)માં ફેરવાશે તેવા પૂર્વાનુમાન સાથે મૌસમ વિભાગે બુલેટીન જારી કરવાનું શરૂ કર્યું છે. ગુજરાતના દરિયાકાંઠા ઉપર ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવ્યા છે.
તા. 22ના સાંજ સુધીમાં વાવાઝોડુ વધુ શક્તિશાળી બનીને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે. અગાઉ બિપોરજોય આ જ દરિયામાં સર્જાયું હતું અને પહેલા ઓમાન તરફ, બાદ કરાંચી તરફ દિશા બદલી અને છેલ્લે કચ્છ ઉપર ત્રાકટયું હતું. આ વાવાઝોડાની દિશા હાલ ઉત્તરપશ્ચિમ કે પશ્ચિમ તરફની એટલે કે દક્ષિણ ઓમાન અને સરહદી યમન તરફની છે પરંતુ, જો તેની દિશા ઉત્તર પૂર્વની થાય તો ગુજરાત,મહારાષ્ટ્રના કાંઠાળ વિસ્તારો પર અસર થઈ શકે છે.
આજે ગુજરાતના દક્ષિણે વેરાવળ, દિવ,ભાવનગર, ભરૂચ, દહેજ, દમણ અને ઉત્તરે જખૌ,નવલખી, કંડલા, જામનગર, પોરબંદર સહિત રાજ્યના તમામ કાંઠા પર DC-1 (ડિસ્ટન્સ કોશનરી) સિગ્નલ લગાડવા સૂચના છે જેનો અર્થ થાય છે કે દરિયામાં દૂર દૂર ખતરો છે. વાવાઝોડુ ઓમાનના સલાહ એરપોર્ટથી 1190 અને યમનના સોકોટ્રાથી 920 કિ.મી.ના અંતરે 9.3 ઉત્તર અક્ષાંસ અને 61.7 પૂર્વ રેખાંશ પર છે.
ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલા જૂનમાં પ્રચંડ શક્તિશાળી બિપોરજોય વાવાઝોડુ ત્રાટક્યું હતું અને તે વાવાઝોડુ સૌથી લાંબા સમય સુધી સક્રિય રહ્યું હતું. હવે ગઈકાલે તા. 19ના સમગ્ર દેશમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય જાહેર થઈ છે તેની સાથે આ વાવાઝોડુ રચાયું છે. આ સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેસરમાં ફેરવાયું છે અને તે પણ તા. 22ના ડીપ્રેસનમાં ફેરવાશે. આમ, ભારતમાં હાલ ભારે તોફાની વરસાદ લાવે તેવી બે સીસ્ટમ દક્ષિણ તરફ સક્રિય બની છે.






Leave a comment