અદાણી ફાઉન્ડેશન અને AGELના સંયુક્ત ઉપક્રમે ખાવડામાં અનેકવિધ પ્રવૃત્તિઓ

– શિક્ષણ અભિવૃદ્ધિ અને મહિલા આરોગ્ય જાગૃતિને પ્રાધાન્ય

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જી લિમીટેડ (AGEL)ના સંયુક્ત ઉપક્રમે ખાવડામાં શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટરના વરદહસ્તે શૈક્ષણિક પ્રોજેક્ટ અને મહિલા આરોગ્ય જાગૃતિ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો. તંત્રના ઉચ્ચાધિકારીઓ સહિત સ્થાનિક મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ તેમજ આશાવર્કર્સે પણ ઉપસ્થિત રહી તેમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અદાણી ફાઉન્ડેશન મુંદ્રાની આસપાસના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે. ખાવડા પંથકની 8 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો થાય તે માટે પ્રોજેકટ “ઉત્થાન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાવડા, દિનારા, કુરન, તુગા, ખારી તથા જામ કુનરિયાની માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાને તેમાં આવરી લેવામાં આવી છે.

“ઉત્થાન”નો પ્રારંભ કરાવતા કલેક્ટર અમિત અરોરા, પ્રાંત અધિકારી, અદાણીના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ  વર્મા, એગ્રોસેલના એમ.ડી.ચૈતન્યભાઈ શ્રોફ, ખાવડાના પી.એસ.આઈ. તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાવડા કન્યાશાળા ખાતે અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ વિભાગે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરી પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો.

કલેક્ટરે જણાવ્યું હતું કે “મુંદ્રા અને માંડવી વિસ્તારની 71 શાળાઓમાં કાર્યાન્વિત ઉત્થાન પ્રોજેક્ટના પ્રેરણાદાયી પરિણામોને જોતા આ પહેલ ખાવડાના સામાજિક અને શૈક્ષણિક સ્તરમાં બદલાવ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જનારી છે. આ વિસ્તારમાંથી ભવિષ્યમાં શિક્ષકો, ડોક્ટરો અને ઈજનેરો ઉભા થાય તે માટે ગુણવત્તાયુક્ત અને સુવિધાસભર કાર્યો કરવાની જવાબદારી આપણા સૌની છે.” 

મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ માટે દિનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 95 જેટલી બહેનોને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં અદાણી ફાઉન્ડેશનના ડૉ. નરેન્દ્રસિંહ ડોડીયા સહિત મેડિકલ ઓફિસરે માસિકધર્મમાં કાળજી તથા ઉંમર પ્રમાણે થતા શારીરિક બદલાવોની સમજ આપી હતી. મહિલાઓએ મૂંઝવતા પ્રશ્નોનું સંતોષકારક સમાધાન મેળવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે મહિલાઓ સાથે સીધો સંવાદ સાધીને સેનિટરી પેડના ઉપયોગ અંગે સમજ આપી હતી. છેલ્લા 2૦ વર્ષથી સ્વૈચ્છિક આરોગ્યની કામગીરી કરતાં સીદીકભાઈએ પણ આરોગ્ય કામગીરીમાં સહકારની ખાત્રી આપી હતી.

ખાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજીત સર્વરોગ નિદાન કેમ્પમાં દર્દીઓને નિ:શુલ્ક દવાઓ આપવામાં આવી હતી. આ વિસ્તારમાં સમયાંતરે વિવિધ આરોગ્ય કેમ્પોનું આયોજન કરવામાં આવશે.

અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે જણાવ્યું હતું કે “આ વંચિત વિસ્તારના લોકો માટે શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણની કામગીરી કરવી અતિઆવશ્યક છે. અમને જે તક મળી છે તે કુદરતના આશીર્વાદ સમાન છે“.  

Leave a comment

Trending