– બાળપણમાં તોતડાપણું હોય તો સ્પિચ થેરાપીસારવાર કારગર પુરવાર
નાનું બાળક કાકા ને તાતા.. તાતા કહે ત્યારે મા બાપ અને વાલીઓને શરૂઆતમાં તો ગમે છે, પરંતુ બાળક મોટું થાય છતાં આમ જ બોલવાનું ચાલુ રાખે તો ચિંતાના વાદળ છવાય છે, બસ પછી શરૂ થાય છે એક ડોક્ટર પાસેથી બીજા ડોક્ટર પાસે જવાની દોડ. મેડિકલ ભાષામાં બાળકની અંદર રહેલી આ ખામીને સ્ટટરિંગ અર્થાત તોતડાપણું કહે છે.
દુનિયામાં દર વર્ષે ૨૨મી ઓકટો.ના દિવસે વિશ્વ સ્ટટરિંગ ડે ઉજવાય છે. જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગના હેડ ડો.નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે, આ તોતડાપણું એક ન્યુરોલોજીકલ પરિસ્થિતિ છે. સામાન્ય રીતે જીભ ના હલનચલનથી શબ્દનું ઉચ્ચારણ થાય છે,પરંતુ બોલતી વખતે જીભ જ્યારે હલન ચલન કરે છે ત્યારે એકની જગ્યાએ બીજો શબ્દ બોલાય છે. જેમ કે, ચમચીની જગ્યાએ તમતી કેટલાંક બાળકોને જીભ નીચે ચોટેલી પણ હોય છે, ત્યારે પણ આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે.
આવી પરિસ્થિતિનો મેડિકલ વિજ્ઞાનમાં ઉપાય છે. જેમાં જીભ ચોટતી હોય તો સામાન્ય ઓપરેશન કરવામાં આવે છે અને ઓપરેશન પછી બાળકને બોલતા શીખવાડવામાં આવે છે, જેને સ્પીચ થેરાપી કહે છે. આવા પ્રયત્નોથી બાળકનું તોતડાપણું ઘણે અંશે દૂર થાય છે, પરંતુ વાલીઓમાં જાગૃતિ હોવી જરૂરી છે. બાળકને દર ૧૫ દિવસે બે વખત આવી થેરાપી અપાય છે. ત્યારબાદ વાલીઓએ ઘરે જઈને રોજે રોજ બાળકને કસરત તથા આ થેરાપી આપવાની હોય છે. તો જલ્દી બોલતા શીખી જાય છે. જી.કે. માં વર્ષ દરમિયાન ૬૦ બાળકોને આવી થેરાપી આપવામાં આવી હતી અને ફાયદો પણ થયો હતો.
જી.કે.માં આ થેરાપી આપતા સ્પિચ થેરાપિસ્ટ હર્ષદ વાઘેલાના જણાવ્યા મુજબ, બાળકો સામાન્ય રીતે ક ખ ગ ઘ ર ટ ઠ ડ ઢ જેવા શબ્દો બોલવામાં વધુ તકલીફ લેતા હોય છે. આ શબ્દો ઉપર ભાર મૂકી બાળકને બોલવાની સારવાર આપવામાં આવે છે. દરમિયાન બાળકની સાથે વાલીઓને પણ બેસાડવામાં આવે છે, જેથી તેઓ બાળકને ઘરે જઈને શીખીવી શકે. એક બાળક પાછળ ઓછામાં ઓછી ૩૫ થી ૪૦ મિનિટ ની બેઠક કરવામાં આવે છે.
બાળક ચારથી પાંચ વર્ષનું થાય ત્યારે જો આ સારવાર આપવામાં આવે તો સુંદર પ્રતિસાદ મળે છે.
બાળકો કોઈ પણ શબ્દ બોલવામાં મુશ્કેલી અનુભવે કે એક શબ્દને વધુ વાર બોલે, બોલતી વખતે ચહેરા ઉપર ભાર પડે, આંખોને જલ્દી જલ્દી પટપટાવે, વાત કરતી વખતે મુઠ્ઠી બંધ રાખે જેવા લક્ષણો જોવા મળે તો વાલીઓએ તાત્કાલિક સાવધ થઈ જવાની જરૂર છે. અને તબીબ પાસે પહોંચી જવું જોઈએ.






Leave a comment