– આધેડ મહિલાના પેટમાંથી એપેન્ડિક્સ કેન્સર અને આંટી વળી ગયેલી ગાંઠનું એક સાથે બેવડું ઓપરેશન કરાતાં મળ્યું જીવતદાન
જી. કે. જનરલ અદાણી હોસ્પિટલમાં સર્જરી વિભાગે નખત્રાણાની મહિલાના પેટમાંથી આંટી વળી ગયેલી ૨.૫ કિલોગ્રામ વજનની ગાંઠ તેમજ એપેન્ડિક્સ કેન્સરનું રાતોરાત બેવડું ઓપરેશન એક સાથે કરી, મહિલાને જીવતદાન મળ્યું અને સાથે તબીબોની મહેનત અને સમયસૂચકતાએ પણ રંગ લાવી દીધો.
જી.કે. જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગના સીની.રેસિ. ડોક્ટર આદિત્ય ડી. પટેલે કહ્યું કે નખત્રાણાના ૫૨ વર્ષીય હીરબાઈએ પેટમાં દુખાવો હોતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી, પરંતુ ધાર્યું પરિણામ ન મળતાં તાજેતરમાં રાત્રે ૧૦ વાગે પેટમાં સખત દુખાવા સાથે જી.કે.માં આવ્યા. તીવ્ર દુખાવાની ગંભીરતાનો ખ્યાલ આવી જતા સોનોગ્રાફી કરાવી તો તેમાં આંટી વળી ગયેલી ગાંઠ દેખાઈ હતી.
અન્ય સર્જનો ડો.ઉર્વી હિતેશ અંતાલા, ડો.યસ રજનીકાંત પટેલ તેમજ ડો. રાજ જયેશભાઈ પટેલે વિશેષ વિગતો આપતા કહ્યું કે દર્દીની નાજુક હાલત જોતાં સોનોગ્રાફી બાદ સીટી સ્કેન કરાયું તો બહેનના એપેન્ડિક્સમાં સંભવિત કેન્સર હોવાનું પણ જણાયું.આમ બબ્બે દુખાવા સાથે હતા.
એક બાજુ જીવલેણ દુખાવો અને બીજી બાજુ નિર્ણાયક પળ વચ્ચે એક ક્ષણનો ય વિલંબ કર્યા વિના રાત્રે ૧૧.૩૦ વાગે જ તાત્કાલિક શાસ્ત્રક્રિયા કરવાનો નિર્ણય કરી લીધો.
તબીબોની સમયસૂચકતા કામ કરી ગઈ, બહેનના પેટમાંથી પ્રથમતો ૨૫ બાય ૩૦ સે.મી. ની આંટી વળી ગયેલી ગાંઠ દૂર કરી અને સાથે સાથે એપેન્ડિક્સનું પણ ઓપરેશન કર્યું. પ્રથમ સંભવિત જણાતું એપેન્ડિક્સ કેન્સર બાદમાં બાયોપ્સી કરાવતા કેન્સર જ હોવાનું લેબ નિદાન થયું આમ તબીબોની મહેનત થકી બહેનને મળ્યું જીવતદાન.આ ઓપરેશન ૩ કલાક ચાલ્યું હતું.






Leave a comment