જી.કે.જન. અદાણી હોસ્પિ.ના મેડિ.વિભાગે ક્યારેક  જ જોવા મળતી આવી શારીરિક હાલતની કરી સફળ સારવાર

યુવતીમાં અલ્પ હિમોગ્લોબીન અને ઑક્સિજન,  નાજુક હૃદય અને કમળો છતાં બચાવી લીધી

જો કોઈ વ્યક્તિના લોહીમાં હિમોગ્લોબીન માત્ર ૧.૭ હોય, ઓક્સિજન ઓછું હોય, બી.પી. ઘટતું જાય, કમળો હોય, હૃદય લગભગ નિષ્ફળ જવાને આરે હોય અને અધૂરામાં પૂરું હૃદયમાં પાણી ભરાયું હોય તો શું થાય એવા અનેક સવાલોથી ઘેરાયેલી નાજુક પરિસ્થિતિ વચ્ચે  જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગે એક યુવતીને સફળ સારવાર આપી બચાવી લીધી. 

        જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના  ડો.યેશા ચૌહાણે કહ્યું કે, ૨૨ વર્ષની એક યુવતી જ્યારે અત્રે સારવાર લેવા આવી ત્યારે હાલત નાજુક હતી. બી.પી. અને ઓક્સિજન ખૂબ જ ઓછા હતા. હૃદયની હાલત પણ અત્યંત ખરાબ હતી.કમળો તો હતો જ.

        આવી પરિસ્થિતિમાં તબીબની પ્રથમ દ્રષ્ટિ ઓક્સિજન આપવામાં અને લોહી ચડાવવા તરફ જાય, પરંતુ ડોક્ટર માટે યક્ષ પ્રશ્ન લોહીનો હતો. લોહી આપવું તો કયા ગ્રુપનું આપવું કારણ કે, લોહીના લાલ રક્તકણોનો એટલી હદે વિનાશ થયો હતો કે યુવતીનું બ્લડ ગ્રુપ કયું છે એ પણ નક્કી થઈ શકતું નહોતું.

આવા લક્ષણો પછી નિદાન મહત્વનું બની જાય છે.જો રોગનું નિદાન સ્પષ્ટ થઈ જાય તો ઉપાય મળી શકે છે.દર્દીના રોગનાં સંકેત,ચિહ્ન અને લક્ષણોના આધારે  સ્લી ઇંડ્યુસ્ડ હેમોલિટીક એનીમિયા હોવાનું નક્કી થયું.અર્થાત લોહીના અભાવે શરીરના અંગો પર્યાપ્ત પ્રક્રિયા કરવા અસમર્થ થઈ જાય છે.આવી પરિસ્થિતિ જવલ્લેજ જોવા મળે છે.

        ત્યારબાદ તબીબોએ સંભાળપૂર્વક  સારવાર શરૂ કરી.ઓક્સિજન અને સ્ટીરોઇડની સારવાર શરૂ કરી.લોહીમાં રક્તકણ વિરૂદ્ધ બનતી એન્ટીબોડી આ સારવારને કારણે અટકાવવા લાગી એ સાથે તમામ સમસ્યા સુધરવા લાગી.૧૦ દિવસની ઘનિષ્ઠ સારવારના અંતે શરીરના અંગો કાર્યરત થતાં ગયા.

Leave a comment

Trending