ગુજરાતમાં ભાજપને ચૂંટણીમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આગામી લોકસભા ચૂંટણી પૂર્વે આગામી રવિવાર તા. 5થી 7 નવેમ્બર દરમિયાન આ વખતે ભૂજ (કચ્છ)માં અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક મળશે. દરમિયાન આર.એસ.એસ.ની ઈ.સ. 2020માં 38,913 સ્થળોએ 62,491 શાખાઓ ભરાતી તે ત્રણ વર્ષમાં જ ઈ.સ. 2023માં વધીને 42,613 સ્થળોએ 68,651 શાખાઓ ભરાય છે. સંઘ હવે 1 લાખ શાખાના લક્ષ્યાંક સાથે કામ કરે છે.
દેશના કૂલ 911 જિલ્લામાંથી 901 જિલ્લામાં સીધું કાર્યક્ષેત્ર ધરાવતા સંઘની ભૂજમાં યોજાનાર બેઠકને ઘણુ મહત્વ અપાઈ રહ્યું છે. દેશમાં ભાજપના શાસન પછી ગત પાંચ વર્ષમાં 7.25 લાખ યુવાનોએ સંઘમાં જોડાવવા અરજીઓ કરી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વના 38 દેશોમાં સંઘનું કાર્યક્ષેત્ર વિસ્તારાયું છે જ્યાં 716 સ્થળોએ હિન્દુ સ્વયંસેવક સંઘ (એચ.એસ.એસ.) તરીકે કામ કરાઈ રહ્યું છે. ભૂજમાં યોજાનાર બેઠકમાં સરસંઘચાલક ડો.મોહન ભાગવત તથા સહકાર્યવાહ વગેરે અગ્રણીઓ તેમજ દેશભરમાંથી ૪૦૦ પ્રતિનિધિઓ હાજર રહેશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ઈ.સ. 1925 માં થઈ હતી અને આગામી ઈ.સ. 2025માં શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ હિન્દુ સંગઠન ઉપર ઈ.સ. 1948માં ગાંધીજીની હત્યા વખતે, ઈ.સ. 1975માં ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે અને છેલ્લે ઈ.સ. 1993માં અયોધ્યામાં બાબરી મસ્જીદ ધ્વંશ વખતે એમ ત્રણ વાર પ્રતિબંધ મુકાયો હતો. પરંતુ,પડકારોથી ટેવાઈ ગયેલ સંઘનું કાર્યક્ષેત્ર વિકસતું રહ્યું છે અને ગુજરાતમાં ભાજપને નોંધપાત્ર ફાયદો કરાવતું રહ્યું છે.






Leave a comment