વિશ્વમાં શિયાળાની શરૂઆત થઈ રહી છે તે સાથે જામનગર પાસે ખીજડીયા પંખી અભ્યારણ્યમાં વિદેશોથી ઋતુપ્રવાસી પંખીઓનું આગમન શરૂ થયું છે. વન વિભાગના સૂત્રો અનુસાર ભારતના પડોશી દેશો અફઘાનિસ્તાન, પાકિસ્તાન ઉપરાંત ઈરાન, ઈરાક, યુરોપના દેશો, અને જ્યાં કાતિલ ઠંડી પડે છે તે સાઈબીરીયા સહિત દેશોમાંથી વિવિધ પ્રજાતિના પંખીઓનું આગમન શરૂ થયું છે અને શિયાળાની ઠંડી વધવા સાથે આ પંખીઓનું આગમન પણ વધવા લાગશે.
જામનગરથી 10 કિ.મી.ના અંતરે રાજકોટ-જામનગર હાઈવે ઉપર આવેલા ખીજડીયા પંખી અભ્યારણ્ય 1490 એકર વિશાળ જમીનમાં પથરાયેલ છે.ગુજરાતના ગૌરવ સમાન આ એકમાત્ર પ્રાકૃતિક સ્થળ છે જ્યાં દરિયાના ખારા પાણીના પંંખીઓની સાથે નદીના મીઠાં પાણીના પંખીઓ એક સાથે જોવા મળે છે. પ્રખ્યાત પંખીવિદ્ સલિમ અલીએ અહીં એક દિવસમાં 100થી વધુ પ્રજાતિઓ જોયાનું નોંધ્યું છે. હાલ, અભ્યારણ્યમાં આશરે 314 પ્રજાતિના વિવિધ પંખીઓનું નિવાસ બન્યું છે. વિદેશી પંખીઓ અહીં આવીને ઈંડા મુકે છે અને શિયાળા દરમિયાન સૌરાષ્ટ્રના મહેમાન બને છે. હાલ વિવિધ પ્રકારના બતકો, ડક, ક્રેઈન સહિત વિદેશી પંખીઓનું આગમન જોવા મળ્યું છે.
એક તરફ રૂપારેલ અને કાલીન્દ્રી નદીના સ્વચ્છ પાણી અને ત્યાં કચ્છના અખાતને પગલે મેન્ગુ્રવ્ઝ અને અન્ય વનસ્પતિઓથી એક જ્વલ્લે જ જોવા મળતી ઈકોસીસ્ટમ અહીં કુદરતે રચી છે, અભ્યારણ્યમાં રસ્તે ચાલો એટલે ડાબી બાજુ સમુદ્રમાં પંખીઓ અને જમણી બાજુ નદી-તળાવના નિવાસી પંખીઓ એક સાથે જોવા મળે છે.
ખીજડીયા પંખી અભ્યારણ્યને ગત વર્ષ ઈ.સ. 2022માં વર્લ્ડ વેટલેન્ડ્ઝ ડે નિમિત્તે ‘રામસર વેટલેન્ડ સાઈટ ‘તરીકે જાહેર કરવામાં આવેલ છે જે સૌરાષ્ટ્રમાં એકમાત્ર આ સ્થળ છે. આ ઉપરાંત તાજેતરમાં વર્ષ 2023 માટે ગુજરાતમાંથી એકમાત્ર આ અભ્યારણ્ય જ્યાં આવેલું છે તે ગામ ખીજડીયાને બેસ્ટ ટુરીઝમ વિલેજ તરીકે પસંદ કરીને સીલ્વર મેડલ જાહેર કરાયેલ છે. જેના પગલે માત્ર ભારત નહીં પરંતુ, વિદેશમાંથી મોટાપ્રમાણમાં પંખીપ્રેમીઓ આ સ્થળની મુલાકાતે આવવા લાગ્યા છે. ગામની વસ્તી માંડ અઢી હજાર જેટલી છે જ્યાં વર્ષે ૪૨ હજારથી વધુ મુલાકાતીઓ આવે છે.






Leave a comment