કચ્છની ધરતીના પેટાળમાં ફરી હલચલ વધી રહી છે

ભૂકંપ પ્રભાવિત સૌથી વધુ તીવ્રતા ધરાવતા ઝોન-૫માં આવતા કચ્છ જિલ્લાના ધરતીના પેટાળમાં ફરી હલચલ વધી રહી છે. આજે રાત્રિના ૭-૫૨ વાગ્યે દુધઈથી ૨૯ કિ.મી.ના અંતરે ૪.૧ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી ધરતી ધુ્રજી ઉઠી હતી. હજુ ગઈકાલે જ સવારે ૧૦-૨૦ વાગ્યે આ સ્થળની નજીક, દુધઈથી ૧૮ કિ.મી.ના અંતરે ૨.૮નો ભૂકંપ નોંધાયો હતો.

કચ્છમાં આટલી તીવ્રતાનો ભૂકંપ ગત તા.૧ સપ્ટેમ્બરે દુધઈથી આ જ દિશામાં ૧૫ કિ.મી.ના અંતરે ૪.૧ની તીવ્રતાનો નોંધાયો હતો પરંતુ, તે જમીનની ઉપરી સપાટીએ હતો. આજે આવેલો ધરતીકંપ જમીનથી ૧૫ કિ.મી. ઉંડાઈએ ઉદ્ભવ્યો છે. આ ઉપરાંત ગત ઓક્ટોબરમાં તા.૧૩ના ખાવડા પાસે ૨.૭ અને રાપર પાસે ૨.૯નો ધરતીકંપ નોંધાયો હતો.

ગુજરાતના આઈ.એસ.આર. અનુસાર ઈ.સ.૨૦૨૨માં કચ્છમાં કોઈ મોટો એટલે કે ૪થી વધુ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો ન્હોતો, જ્યારે ઈ.સ.૨૦૨૩માં તા.૩૦ જાન્યુઆરીએ દુધઈ પાસે ૪.૨, તા.૧૭ મેના ખાવડાથી ૩૯ કિ.મી.ના  અંતરે ૪.૨,નો ભૂકંપ બાદ આજે ચોથો આટલી તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. કચ્છ સિવાય ગુજરાતમાં આટલી તીવ્રતાનો એકમાત્ર ભૂકંપ ચાલુ વર્ષમાં ઉત્તર ગુજરાતની સરહદે રાજસ્થાન વિસ્તારમાં  નોંધાયો હતો.

Leave a comment

Trending