નીતીશ કુમારની 75 ટકા અનામત આપવાની માગ

મંગળવારે બિહારમાં દેશનો પ્રથમ જાતિ આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર, બિહારમાં 33.16% પછાત વર્ગ, 25.09% સામાન્ય વર્ગ, 33.58% અત્યંત પછાત વર્ગ, 42.93% SC અને 42.7% ગરીબ પરિવારો STમાં છે. સૌથી ગરીબ યાદવ અને ભૂમિહાર છે અને સૌથી સમૃદ્ધ કાયસ્થ છે.

CM નીતીશ કુમારે બિહાર વિધાનસભામાં કેન્દ્ર પાસે અનામતનો વ્યાપ 50%થી વધારીને 75% કરવાની માગ કરી છે. નીતીશ સરકારે OBC અને EBC કેટેગરી માટે આ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં 94 લાખ ગરીબ પરિવારો છે. આ ગરીબ પરિવારોને રાજ્ય સરકાર તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં તમામ જાતિના ગરીબોને મદદ કરવામાં આવશે. જમીન ખરીદવા માટે રૂપિયા 1 લાખ આપવામાં આવશે. એના માટે 2 લાખ 50 હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે. તેમણે કહ્યું હતું કે આ ટાર્ગેટ 5 વર્ષમાં પૂરો કરવામાં આવશે. જો વિશેષ દરજ્જો મળશે તો અમે એને 2 વર્ષમાં પૂર્ણ કરીશું.

સીએમ નીતીશ કુમારે કહ્યું હતું કે અમે જાતિની વસતિગણતરી અંગે કેન્દ્રને મળ્યા હતા. આ પછી નક્કી થયું કે વસતિગણતરી કેન્દ્ર કરશે અને અમે જાતિની વસતિગણતરી કરીશું.

CM નીતીશ કુમારે કહ્યું હતું કે તેમણે પૂર્વ વડાપ્રધાન વીપી સિંહ પાસે દેશમાં જાતિ ગણતરી કરાવવાની માગણી કરી હતી, પરંતુ એમ થયું નહિ. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ જાતિની વસતિ વધી છે અને જ્ઞાતિ ઘટી છે. દેશમાં જાતિની વસતિગણતરી થઈ નથી ત્યારે આવું કોઈ કેવી રીતે કહી શકે? લોકો આ બધી બોગસ વાતો કહી રહ્યા છે. જો કોઈને કોઈ સમસ્યા હોય તો કેન્દ્રમાં જાતિની વસતિગણતરી કરાવો.

સૌથી ગરીબ ભૂમિહાર અને યાદવો

સર્વે રિપોર્ટમાં સૌથી ગરીબ પરિવારોના રસપ્રદ આંકડા સામે આવ્યા છે. સામાન્ય વર્ગમાં સૌથી ગરીબ જાતિ ભૂમિહાર છે. તેમની કુલ સંખ્યા 2 લાખ 31 હજાર 211 છે, જે 27.58% છે. જનરલ કેટેગરીમાં બીજા ક્રમે મુસ્લિમ ધર્મની શેખ જ્ઞાતિ છે.

તેમની સંખ્યા 2 લાખ 68 હજાર 398 છે, જે 25.84% છે. આ પછી ત્રીજા સ્થાને બ્રાહ્મણો છે. તેમની કુલ સંખ્યા 2 લાખ 72 હજાર 576 છે, જે 25.32% છે.

અહીં પછાત વર્ગોમાં યાદવ જાતિ સૌથી ગરીબ છે. તેમની સંખ્યા 13 લાખ 83 હજાર 962 છે, જે 35.87% છે. આ પછી કુશવાહા (કોરી) છે, જેમની સંખ્યા 4 લાખ 6 હજાર 207 છે. તે 34.32% છે.

ભાજપ ધારાસભ્યોનો હંગામો, આંગણવાડી કાર્યકરોના પ્રદર્શનને લઇને સરકારને ઘેરી

મંગળવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપે હંગામો શરૂ કરી દીધો હતો. ભાજપના ધારાસભ્યોએ હોબાળો મચાવતાં વેલમાં આવી ગયા હતા. આંગણવાડી કાર્યકરોના વિરોધને લઈને ભાજપ સરકારને ઘેરી રહી છે.

વિપક્ષના નેતા વિજય સિંહાએ આંગણવાડી કાર્યકરો પર પોલીસ દળના ઉપયોગને લઈને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ અંગે સરકારે જવાબ આપવો પડશે. વિધાનસભા અધ્યક્ષે કહ્યું હતું કે પ્રશ્નકાળ પછી સરકાર ભાજપના પ્રશ્નોના જવાબ આપશે, પરંતુ ભાજપના ધારાસભ્યો દ્વારા હંગામો ચાલુ છે. અહીં આજે સવારે 9 વાગ્યાની આસપાસ સેંકડો આંગણવાડી કાર્યકરો અચાનક જ વિધાનસભાના ગેટની બહાર પહોંચી ગયા હતા. આંગણવાડી કાર્યકરોએ માનદ વેતન વધારવાની માગ સાથે વિરોધ શરૂ કર્યો.

Leave a comment

Trending