ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 33મો દિવસ છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર, સેનાએ હમાસ માટે હથિયાર બનાવનાર કમાન્ડર મુહસીન અબુ ઝીનાને મારી નાખ્યો છે.
તે જ સમયે, યનેટ ન્યૂઝ અનુસાર, ઇઝરાયલ પર હમાસના હુમલાનો વીડિયો 30 દેશોમાં 70 વખત બતાવવામાં આવ્યો છે. 47 મિનિટનો આ વીડિયો ન્યૂયોર્ક ટાઈમ્સના સ્ટાફને ચાર વખત બતાવવામાં આવ્યો હતો. આ સિવાય આ વીડિયો વ્હાઈટ હાઉસ, બ્રિટિશ ઈન્ટેલિજન્સ એજન્સી MI5 અને અન્ય પશ્ચિમી ઈન્ટેલિજન્સ એજન્સીઓના સ્ટાફને પણ બતાવવામાં આવ્યો હતો. આતંકવાદીઓના શરીર પર લાગેલા બોડી કેમના ફૂટેજને જોડીને આ વીડિયો બનાવવામાં આવ્યો છે.
અહીં, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના કાફલા પર આતંકવાદી હુમલાના સમાચાર છે. કાફલા પર ગોળીબાર કરવામાં આવ્યો છે. આમાં તેનો એક બોડીગાર્ડ માર્યો ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલો વેસ્ટ બેંકમાં થયો હતો. તે જ સમયે, તુર્કીના અખબાર અનુસાર, ‘સન્સ ઓફ અબુ જંદાલ’ નામના સંગઠને હુમલાની જવાબદારી લીધી છે. હુમલાને લગતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ગોળી વાગ્યા બાદ બોડીગાર્ડ જમીન પર પડેલો જોવા મળે છે.
ઇઝરાયલના રાજદૂતે કહ્યું- બંધકોની વાપસી માટે દિવાળી પર દીવા કરો
ભારતમાં હાજર ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને બુધવારે કહ્યું કે આ દિવાળીએ હમાસ દ્વારા બંધક બનેલા ઇઝરાયલીઓ માટે ભારતીયોએ પણ દીવો પ્રગટાવવો જોઈએ. ગિલોને કહ્યું- ભારતમાં દર વર્ષે ભગવાન રામના પરત ફરવાના દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. આ વર્ષે, 240 ઇઝરાયલી બંધકો માટે પણ દીવા પ્રગટાવો.
ઇઝરાયલમાં પેલેસ્ટિનિયન કામદારોનું સ્થાન ભારતીયો લેશે
ઇઝરાયેલ પેલેસ્ટિનિયન કામદારોની જગ્યાએ 1 લાખ ભારતીય કામદારોની નિમણૂક કરવા જઈ રહ્યું છે. વોઈસ ઓફ અમેરિકાના અહેવાલ મુજબ ઇઝરાયલમાં કામ કરતા પેલેસ્ટાઈનીઓને હમાસના હુમલા બાદ નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. તેના બદલે ઇઝરાયલ અને ભારત સરકાર વચ્ચે ભારતીયોને નોકરી આપવા અંગે ચર્ચા ચાલી રહી છે.
ઇઝરાયલના રક્ષામંત્રીએ કહ્યું- ગાઝા આતંકવાદનો ગઢ
મંગળવારે ઇઝરાયલના રક્ષાપ્રધાન યોવ ગાલાંટે કહ્યું કે ગાઝા પટ્ટી માનવીઓ દ્વારા બનાવવામાં આવેલ આતંકનો સૌથી મોટો અડ્ડો છે. બંધકોને પરત લાવવા માટે અમે દરેક સૈન્ય અને રાજકીય કાર્યવાહી કરીશું.
બીજી તરફ ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે તે ગાઝા શહેરની મધ્યમાં પહોંચી ગઈ છે. પીએમ નેતન્યાહુએ કહ્યું- અમે ગાઝા શહેરમાં પ્રવેશી રહ્યા છીએ. અમે હમાસના એવાં લક્ષ્યો પર પણ પહોંચી ગયા છીએ જ્યાં તેને અપેક્ષા પણ નહોતી. હજારો હમાસ આતંકીઓ માર્યા ગયા છે. જો હિઝબુલ્લાહ આ યુદ્ધમાં પ્રવેશ કરશે તો તે તેની સૌથી મોટી ભૂલ હશે.
નેતન્યાહુએ કહ્યું- યુદ્ધ બાદ ઇઝરાયલને ગાઝાથી જોખમ નથી
નેતન્યાહુએ કહ્યું- જ્યાં સુધી બંધકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી યુદ્ધમાં યુદ્ધવિરામ નહીં થાય. અમે ગાઝા સુધી ઈંધણ પણ નહીં પહોંચવા દઈએ. અમે હમાસ અને તેના શાસનને ખતમ કરીશું. આ યુદ્ધ પછી ઇઝરાયલને ગાઝા તરફથી કોઈ જોખમ નહીં રહે.
મંગળવારે રાત્રે ઇઝરાયલ પર લેબનોન તરફથી એક પછી એક 20 રોકેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. મોટાભાગનાં રોકેટને આયર્ન ડોમ દ્વારા અટકાવવામાં આવ્યાં હતાં. હુમલા પછી ઇઝરાયલી સેનાએ જવાબી કાર્યવાહી કરી અને હિઝબુલ્લાહનાં હથિયારોના ડેપો, રોકેટ લોન્ચિંગ પેડ, એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલ સેલ સહિત ઘણા ટાર્ગેટ પર હુમલો કર્યો.






Leave a comment