જી.કે.જન.અદાણી હોસ્પિ.ના વિવિધ વિભાગોએ આપી દિવાળીના તહેવારોની ઉજવણીમાં સ્વાસ્થ્ય સબંધી સમસ્યા સામે સાવચેતીની ટિપ્સ

દિવાળી એટલે મીઠાઈ, ફટાકડાં અને વિવિધસભર આનંદના ઉત્સવનો તહેવાર ,પરંતુ આ ઉજવણી એવી રીતે કરવી જોઈએ કે, આરોગ્ય પણ જળવાય અને દિવાળીનો આનંદ પણ માણી શકાય. જી.કે.જનરલ અદાણી હોસ્પિટલના જુદા જુદા વિભાગો દ્વારા દિવાળી દરમિયાન સ્વાસ્થ્યના સથવારે ઊજવણી કરવા ટિપ્સ આપી છે.

  ફટાકડાં અને મીઠાઈ વિના દિવાળીનો તહેવાર અધૂરો છે. હોસ્પિટલના ચીફ. મેડિ.સુપ્રિ. ડો. નરેન્દ્ર હિરાણીએ કહ્યું કે, ફટાકડાંથી પ્રદૂષણ વધવાની સાથે તળેલા, ગળ્યા અને ઠંડા પીણા વધુ લેવાથી ગળા સંબંધિત ચેપ, જેમકે ઉધરસ, અવાજ બેસી જવો, અને ક્યારેક શ્વસનતંત્ર ઉપર અસર થાય છે, ત્યારે ફટાકડાંના ધુમાડાથી દૂર રહેવું તેમજ માસ્ક પહેરીને ફટાકડાં ફોડવા અને શ્વસનતંત્રમાં ચેપ જેવું લાગે તો તબીબની સલાહ લેવી.

  આ દિવસોમાં પાચનતંત્રના રોગ જેમ કે એસિડિટી, અપચો,ઝાડા ઉલટી થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત દિવાળીના તહેવારોમાં  ફરવા જનાર લોકોમાં પણ બહારના ખાન પાનથી આ પ્રકારના રોગ વધે છે, પણ કેટલીક સાવચેતી જરૂરી છે જેમ કે, શક્ય હોય ત્યાં સુધી બહારનું ખાવા પીવાનું ટાળવું અને ઉકાળેલું પાણી પીવું. તેમ છતાં આવી બીમારી થાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી છે.

   ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ તો ખાસ સંભાળવું. આ તહેવારમાં મીઠાઈનું મહત્વ ખૂબ જ હોય છે, તેવામાં ડાયાબિટીસના દર્દીઓમાં સુગરનું પ્રમાણ વધી જવાની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓમાં સુગરનું પ્રમાણ વધી ન જાય તે માટે ખાનપાનમાં પરેજી રાખવી. દરમિયાન સુગર લેવલ સતત ચકાસતા રહેવું અને તબીબની સલાહ પ્રમાણે જરૂરી કાળજી લેવાય તો સુગર નિયંત્રિત કરી શકાય.

   એવું જ બી.પી.નું છે. બ્લડ પ્રેશરના દર્દીઓએ હાર્ટ સંબંધી કોઈ બીમારી ઊભી ન થાય તે માટે વધુ સોલ્ટવાળા, તેલ, મરી મસાલાનું પ્રમાણ વધુ હોય તેવો ખોરાક લેવાનું ટાળવું તેમ છતાં બ્લડ પ્રેશરમાં વધઘટ થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

    આ તહેવારમાં ફટાકડાંની ધૂમ હોય છે, ત્યારે દાઝી જવાના બનાવો બને છે. તબીબોનું કહેવું છે કે ફટાકડાં ફોડતી વખતે ફર્સ્ટ એઈડ બોક્ષ રાખવું, જેથી પ્રાથમિક સારવાર મળી જાય. ભીડભાડવાળી જગ્યાએ ફટાકડાં ફોડવા નહિ.દાઝવાની ગંભીરતા જણાય તો હોસ્પિટલમાં સારવાર લેવી, પરંતુ ઘરેલુ ઉપાયોથી દૂર રહેવું.અને આંખની ખાસ સંભાળ રાખવી.

Leave a comment

Trending