– ગ્રામ્ય કક્ષાએ લોકોના પ્રશ્નો ઉકેલાવાની સાથે વિકાસકામોને મળશે વેગ
કચ્છમાં નવી ભરતીથી 190 તલાટીઓને ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક અપાતાં લોકોના લાંબા સમયથી અટકેલા કામોને વેગ મળશે. દિવાળી પહેલા તલાટીઓના હુકમ થતા ગ્રામ્યકક્ષાએ પણ કામગીરીમાં વેગ આવવાના અણસાર જોવા મળી રહ્યા છે.
વિસ્તારની દ્રષ્ટિએ દેશના સૌથી વિશાળ જિલ્લા કચ્છમાં ગ્રામપંચાયતોમાં લાંબા સમયથી તલાટીઓની જગ્યાઓ ખાલી પડી છે. વધુમાં અમુક ગ્રામપંચાયતોમાં સરપંચોની મુદત પણ પૂર્ણ થઇ ગઇ છે અને ત્યારબાદ ચૂંટણી ન યોજાતાં હાલે આવી ગ્રામપંચાયતોમાં વહીવટદારનું શાસન છે. તલાટીઓની ખાલી પડેલી જગ્યાઓના કારણે એક તલાટી પાસે 3થી 4 ગામનો ચાર્જ છે, જેના કારણે લોકોના રોજિંદા કામો અટકી પડ્યા હતા.
અધુરામાં પૂરું ગામના વિકાસને લગતા કામો પર પણ અસર પડી હતી. જો કે, તાજેતરમાં લેવામાં આવેલી તલાટીની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને નિમણૂકના આદેશો અપાયા છે. સરકાર દ્વારા કચ્છની 190 ગ્રામપંચાયતોમાં નવી ભરતીથી તલાટીઓને મૂકવામાં આવ્યા છે. રાપર તાલુકામાં પંચાયત સેવાના 39 સહિત કચ્છમાં 190 તલાટી કમ મંત્રીઓની નિમણૂક કરતાં સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના ગામો સુધી પહોચશે. રાપર તાલુકા પંચાયત પ્રમુખ કેસરબેન જી. બગડાએ આવકારીને જણાવ્યું હતું કે, તલાટીઓની નિમણૂકથી તાલુકામાં ખેડૂતોના પ્રશ્નો, લોકોના પ્રશ્નોનો સમયસર નિવેડો આવશે.






Leave a comment