રખડતા ઢોરને પકડવામાં થતા હુમલા મુદ્દે HC નારાજ

આજે ગુજરાત હાઈકોર્ટમાં રોડ, ટ્રાફિક અને રખડતાં ઢોર મુદ્દે સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે કહ્યું કે, પેપર મૂકતાં પહેલાં પોલીસની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ ઓફિસર ઉપર હુમલો થયો એ બાબતે નિકોલ અને અન્ય જગ્યાએ શું પગલાં લીધાં. તો સરકારે કહ્યું કે, પોલીસ પગલાં લઈ રહી છે, તપાસ ચાલુ છે, તે જગ્યાએ પોલીસ મૂકી દેવાઈ છે, આજે તેના ઉપર રિપોર્ટ અપાશે. બાદમાં કોર્ટે કહ્યું, પોલીસ કમિશનર આવતીકાલે એફિડેવિટ ફાઈલ કરે કે પછી મ્યુનિસિપલ ઓફિસરને પૂરતી સિક્યોરિટી આપે. આમ તો સોસાયટીમાં ખોટો સંદેશ જઈ રહ્યો છે કે જે ઓફિસર કાયદાનું પાલન કરાવવા જાય છે તો તેને માર મારવામાં આવે છે, આનાથી ઓફિસરોનું મનોબળ તૂટે છે. વધુમાં કહ્યું, વીડિયોમાં જોવા મળ્યું કે ઓફિસરોને ઢોરની જેમ મારવામાં આવ્યા છે, ખોટું કરનારા સામે કડક પગલાં લેવાય, આવી બાબતો સાંખી લેવાય નહિ. ગઈકાલે ફાઈલ કરેલી સરકારની એફિડેવિટ જોઈ પગલાં લેવાયાં છે.

મુખ્ય રસ્તો ખરાબ હાલતમાં હતો અમે સરખો કર્યો: સરકાર

સરકારે એ બાબતે જવાબ આપતા કહ્યું કે, આ મુદ્દે રાજકોટમાં મ્યુનસિપલ કમિશનર, શહેર પોલીસ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર વગેરેની બેઠક થઈ છે. લીગલ સર્વિસ ઓથોરિટીના રિપોર્ટ પ્રમાણે ગાંજીવાડા વિસ્તાર, અમૂલ સર્કલ મુખ્ય રસ્તો ખરાબ હાલતમાં હતો તે અમે સરખો કર્યો છે, ઇલીગલ પાર્કિંગ દૂર કરાયું છે.

વધુ પગલાં લેવાનું સરકાર ચાલુ રાખે: કોર્ટ

તો અરજદારે કહ્યું કે, અમે સ્વીકારીએ છીએ કે કામ થયાં છે, પરંતુ જે નથી થતું તેની પર વાત કરીએ છીએ. ત્યારે કોર્ટે કહ્યું કે, કામ શરૂ થયું છે એની પ્રશંસા કરીએ છીએ, વધુ પગલાં લેવાનું સરકાર ચાલુ રાખે. સરકારે કરેલું કામ હજારો પેજના રિપોર્ટમાં અપાયું છે. લીગલ સર્વિસ ઓથોરિટીના રિપોર્ટ પ્રમાણે અમે રખડતાં ઢોર દૂર કર્યાં છે. જે જગ્યાએ તેમના રિપોર્ટમાં ઢોર નહોતાં બતાવતાં ત્યાંથી પણ ઢોર મળતાં દૂર કરાયાં છે.

જો ચાહ હોય તો જ રાહ મળે: અરજદાર

અરજદારે કહ્યું કે, ઓફિસરોને કોર્ટમાં બોલાવ્યા બાદ આ કામ શરૂ થયું, જો ચાહ હોય તો જ રાહ મળે. તો એડવોકેટ જનરલે જણાવતાં કહ્યું કે, હું સિંધુભવન રોડ ઉપરથી ત્રણ દિવસ પહેલાં ઓફિસથી આવતો હતો, મેં પાંચ ભેંસો જાતે આવતા જોઈ, મેં માલિકને પૂછ્યું કે તમને ખબર છે કે આ તમે ના કરી શકો, તો તેઓ મને ઓળખતા હતા. જેથી તેમણે મને કહ્યું કે, તમે 1996માં આવ્યા, 1964માં મારા થલતેજમાં વાડા હતા. મને બહાર જગ્યા આપી ત્યાં ગયો પણ મારે ખાવાનું શું કરવાનું?

અરજદારના વકીલે નારાજગી વ્યક્ત કરી

કોર્ટે કહ્યું, અમે હકીકત સમજીએ છીએ કે ઢોરના પ્રમાણમાં શહેરમાં જમીનો નથી, પરંતુ પબ્લિકને ઢોરના લીધે ભોગવવું ના પડે. નડિયાદમાં ઢોર કોર્ટ કેમ્પસમાં જોવા મળ્યાં હતાં. તેનો મુદ્દો અરજદારે ઉઠાવ્યો, અરજદારે સરકાર તરફથી ફાઈલ થયેલા કાગળ મોડા મળતા અરજદારના વકીલે નારાજગી વ્યક્ત કરી.

અમારાં ઢોર જપ્ત ન કરાય: માલધારી સમાજે

તો માલધારી સમાજના વકીલને કોર્ટે કહ્યું કે, માલધારીઓ ઓફિસરો ઉપર હુમલો કરે નહિ, નહિતર પોલીસ સખત પગલાં લેશે. માલધારી સમાજે કહ્યું, અમે કોર્ટના ઓર્ડર અને સરકારની પોલિસી પાળીએ છીએ, અમારાં ઢોર જપ્ત ન કરાય.

રખડતાં ઢોર ઉપર મિટિંગ થઈ હતી: અરજદાર

અરજદારે કહ્યું, ગૌચર જમીન ઉપર દબાણ થયું હોય તો તેને ઓથોરિટી દૂર કરે. છેલ્લી સુનવણી બાદ સરકારના ઉચ્ચ અધિકારીઓની રખડતાં ઢોર ઉપર મિટિંગ થઈ હતી. મહાનગર પાલિકા અને નગરપાલિકાઓને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીનો રિપોર્ટ જણાવી પગલાં લેવા જણાવ્યું હતું. તો એ બાબતે કોર્ટે કહ્યું કે, આ પ્રમાણે સતત કામ થાય છે. કેટલાં ઢોર પકડાયાં, કેટલી FIR થઇ, કેટલા ટેગ ઢોરને અપાયાં આ તમામ માહિતી કોર્ટ સમક્ષ મુકાઈ છે.

કોર્ટે સરકારને ઢોર ઉપર જવાબ ચાલુ રાખવા કહ્યું

અરજદારે કહ્યું કે, આ કામગીરી રખડતાં ઢોર મુદ્દે જ. ટ્રાફિક અને રોડનું શું? તો કોર્ટે સરકારને ઢોર ઉપર જવાબ ચાલુ રાખવા કહ્યું. સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા રોડને લઈને પણ રિપોર્ટ અપાયો હતો. તેની ઉપર થયેલી કામગીરીનો રિપોર્ટ ફોટા સાથે રજૂ કરાયો. જેમાં રોડનું સરફેસિંગ, દબાણ દૂર કરવાનો, હોર્ડિંગ દૂર કરવાનાં જેવાં કામ કરાયાં.

સરકારે કહ્યું, 5 હજાર પાનાથી વધુનો રિપોર્ટ રજૂ કરાયું

ભાવનગર મહાનગપાલિકા ઉપર સરકારે રજૂઆત કરતા કહ્યું કે, સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના રિપોર્ટ મુજબ કામ કરાયું, કામના ફોટોગ્રાફ રજૂ કરાયા છે. તો અરજદારે કહ્યું કે, અમને કોપી નથી મળી. સરકારે કહ્યું, 5 હજાર પાનાથી વધુનો રિપોર્ટ રજૂ કરાયું છે.

હું મારું ઈમેઇલ નહિ આપું: અરજદાર

અરજદારે કહ્યું કે, રાજ્યની આટલી મોટી મશીનરી 5 હજાર પાનાની 5 કોપી ના બનાવી શકે! તો કોર્ટે કહ્યું કે, સરકાર આ સ્પિરિટ પ્રમાણે કામ કરે છે. આવતીકાલે વધુ સુનાવણી થશે. અરજદારને તમામ કોપી આપો. સરકારે કહ્યું, અમે ઇમેઇલમાં મોકલી છે. અરજદારે કહ્યું, મને 7 ગૂગલ ડ્રાઈવ મોકલી છે. અમે એફિડેવિટ ફાઈલ કરી, સરકાર મારી એફિડેવિટનો જવાબ આપે, હું મારું ઈમેઇલ નહિ આપું. અરજદાર વધુમાં કહ્યું કે, કોર્ટને વિનંતી કે ફક્ત ઢોર ઉપર નહિ, ટ્રાફિક અને ખરાબ રોડ ઉપર પણ નિર્દેશ આપે. દર વખતે એડવોકેટ જનરલ નથી મળતા એવું હળવા મૂડમાં બોલ્યા.

અમે સિસ્ટમને જાગૃત કરીએ છીએ: કોર્ટ

અરજદારે કહ્યું કે, પોલીસ ઢોર પકડવા બોડી વોર્ન કેમેરા સાથે જાય જેથી તેમની ઉપર હુમલો થાય તો ખબર પડે. કોર્ટે કહ્યું, અમે પણ જાણીએ છીએ કે એક રાત્રિમાં આ બધું ના થાય. અમે સિસ્ટમને જાગૃત કરીએ છીએ.

વધુ સુનવણી આવતીકાલે

AMCએ કહ્યું, અમારી ટીમ 23 કલાક કામ કરે છે. તો કોર્ટે કહ્યું, અમે જાણીએ છીએ. સોસાયટીમાં મેસેજ ન જવો જોઈએ કે જો અધિકારીઓ ઉપર હુમલો થતો હોય તો અમારી સુરક્ષાનું શું? એટલે કાર્ય કરતા અધિકારીઓને પૂરતી પોલીસ સુરક્ષા અપાય. વધુ સુનવણી આવતીકાલે હાથ ધરાશે.

Leave a comment

Trending