આધાર સાથે લિંક ન કરાતા સરકારે 11.5 કરોડ પાન કાર્ડ રદ કર્યા

દેશના ટેક્સ સિસ્ટમને વધુ પારદર્શી અને સરળ બનાવવા માટે સરકારે પાનકાર્ડ અને આધારકાર્ડને લિંક કરવાની યોજના ઘડી હતી. વારંવારની રજૂઆત છતા અનેક લોકોએ આ સમયમર્યાદામાં જોડાણ કરાવ્યું નહિ. અંતે કેન્દ્ર સરકારે ૧૧.૫ કરોડ પાન કાર્ડ બંધ કરી દીધા છે. આધાર સાથે લિંક ન કરેલા પાન કાર્ડને સીબીડીટીએ નિષ્ક્રિય કર્યા છે.

એક આરટીઆઈના જવાબમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે જણાવ્યું કે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ ૩૦ જૂન હતી. નિયત સમયમાં બંને કાર્ડ લિંક ન કરાવનારાઓ સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.  

દેશમાં પાન કાર્ડની સંખ્યા ૭૦.૨૪ કરોડ હતી જેમાંથી ૫૭.૨૫ કરોડ લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કર્યું હતું. લગભગ ૧૨ કરોડ લોકોએ નિર્ધારિત સમયમાં આ પ્રક્રિયાને અનુસરી ન હતી તેથી ૧૧.૫ કરોડ લોકોના કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.

પાન કાર્ડ બંધ થવાને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સીબીડીટી અનુસાર આવા લોકો ઈન્કમ ટેક્સ રિફંડનો દાવો કરી શકશે નહીં. ડીમેટ ખાતું નહિ ખુલે અને મ્યુચ્યુઅલ ફંડની ખરીદી માટે ચૂકવણી ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ નહીં કરી શકે.

શેર ખરીદવા અને વેચવા માટે રૂ. ૧ લાખથી વધુ ચૂકવણી કરી શકશો નહીં. વાહનોની ખરીદી પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. એફડી અને બચત ખાતા સિવાય બેંકમાં કોઈ ખાતું ખુલશે નહીં. પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ પર વધુ ટેક્સ લાગશે.

Leave a comment

Trending