જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટેસ્લા ઇન્કની ભારતમાં એન્ટ્રીની જાહેરાત શક્ય

ઇલેક્ટ્રિક વાહનો (EV) બનાવતી Elon Muskની કંપની Tesla Inc. આવતા વર્ષે ભારતમાં પ્રવેશવા જઈ રહી છે. ભારત સાથે ટેસ્લાની ડીલ અંતિમ તબક્કામાં છે. બ્લૂમબર્ગે પોતાના એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે. તાજેતરમાં જ ઈલોન મસ્કે પણ કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે.

ભારત આ અમેરિકન EV કંપનીને આવતા વર્ષથી દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની આયાત કરવાની અને બે વર્ષના સમયગાળામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપશે. જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં તેની સત્તાવાર જાહેરાત થવાની ધારણા છે. ટેસ્લા ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં તેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેસ્લા ભારતમાં નવા પ્લાન્ટ માટે શરૂઆતમાં લગભગ $2 બિલિયન એટલે કે લગભગ 16,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. તેઓ ભારતમાંથી 15 અબજ ડોલર અથવા લગભગ રૂ. 1.2 લાખ કરોડ સુધીના ઓટો પાર્ટ્સ ખરીદવાની પણ યોજના ધરાવે છે. કંપની ખર્ચ ઘટાડવા માટે ભારતમાં કેટલીક બેટરીનું ઉત્પાદન કરવાનું વિચારી રહી છે.

પીયૂષ ગોયલે ટેસ્લાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લીધી હતી

તાજેતરમાં, વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કેલિફોર્નિયામાં ટેસ્લાની ઉત્પાદન સુવિધાની મુલાકાત લીધી હતી. જોકે, કંપનીના માલિક ઈલોન મસ્ક આ સમયગાળા દરમિયાન હાજર ન હતા. તેમણે એક્સ પોસ્ટમાં લખ્યું- ‘ટેસ્લામાં તમારું હોવું સન્માનની વાત છે! આજે કેલિફોર્નિયામાં ન આવી શક્યો તે બદલ હું દિલગીર છું, પરંતુ હું ભવિષ્યની તારીખે મળવાની રાહ જોઉં છું.

મસ્ક આ વર્ષે જૂનમાં વડાપ્રધાન મોદીને મળ્યા હતા

આ વર્ષે જૂનમાં ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મીટિંગ બાદ મસ્કે કહ્યું હતું કે- દુનિયાના અન્ય મોટા દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. હું ભારતના ભવિષ્યને લઈને ઉત્સાહિત છું. હું મોદીનો ચાહક છું. તે એક મહાન મીટિંગ હતી અને મને તે ખૂબ ગમે છે.

પીએમ મોદીએ પણ આ મીટિંગની તસ્વીર ટ્વીટ કરી અને લખ્યું- ‘ઈલન મસ્ક, આજે તમારી સાથે ખૂબ જ સારી મુલાકાત રહી. અમે ઊર્જાથી લઈને આધ્યાત્મિકતા સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરી.

Leave a comment

Trending