– અમુલ, બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની ગુજરાતમાં 4 પ્લાન્ટ શરૂ કરશે
દેશમાં ઓર્ગેનિક ફાર્મિંગ વધુમાં વધુ થાય તે દિશામાં અલગ અલગ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગાય આધારિત ખેતી દેશભરમાં થાય તેની જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ માટે અમુલ ડેરી દ્વારા 1400 કિમીની ક્લીન ફ્યુઅલ બાયો સીએનજી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં 12 જેટલી કાર છે જે આજે સુરત પહોંચી હતી. આ તકે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, જીએમએફસી (અમુલ), બનાસ ડેરી અને જાપાનની સુઝુકી કંપની સાથે મળીને ગુજરાતમાં ગાયના ગોબરમાંથી સીએનજી ગેસ બનાવવા માટેના ચાર નવા પ્લાન્ટ શરૂ કરવા જઈ રહી છે.
સજીવ ખાતરનો ખેતીમાં ઉપયોગ થશે
જયેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગાય આધારિત ખેતીના અનેક લાભ થઈ રહ્યા છે, જેનો સીધો લાભ ખેડૂતોને મળે છે. પાલનપુર ખાતે પહેલો ગાયના ગોબરમાંથી સીએનજી પ્લાન્ટ કાર્યરત થશે. ત્યારબાદ ગુજરાતના અલગ અલગ સ્થળે પ્લાન્ટ નાખવામાં આવશે. ગાયના ગોબરમાંથી ગેસ બનાવવાને કારણે નવી આવકનો સ્ત્રોત ઊભો થશે. તેમજ જે સજીવ ખાતર ઉત્પન્ન થશે તે ખેતી માટે પણ ઉપયોગી પૂરવાર થશે.
ક્લીન ફ્યુઅલ બાયો સીએનજી કારનું સ્વાગત કરાયું
ગાય આધારિત ખેતી તરફ વધુમાં વધુ લોકો આકર્ષિત થાય તેના માટે કામગીરી કરવામાં આવી રહી છે. અમુલ ડેરી દ્વારા મહારાષ્ટ્રના પુણાથી ફ્યુઅલ બાયો સીએનજી કાર રેલીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ કાર રેલી સુરત આવી પહોંચતા સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે સ્વાગત કર્યું હતું. રેલી સુરતથી નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. ત્યારબાદ 26 નવેમ્બર રેલી 1400 કિલોમીટર અંતર કાપીને આણંદ સમાપન કરશે. અમુલ ડેરીએ શરૂ કરેલી આ અનોખી પહેલને તમામ સ્તરે આવકાર મળી રહ્યો છે.






Leave a comment