વર્લ્ડ ડેટા લેબ દ્વારા વિશ્વના અર્થતંત્ર અને વેપાર-રોજગાર ઉપર તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના આંકડા જણાવે છે કે, આગામી વર્ષે સમગ્ર વિશ્વમાં 11.3 કરોડ લોકો મધ્યમ વર્ગ એટલે કે મિડલ ક્લાસ કેટેગરીમાં ઉમેરાશે. જાણકારોના મતે લોકોની સરેરાશ આવકમાં સહેજ વધારો થવાના કારણે તથા ખર્ચમાં ઘટાડો થવાના કારણે એક મોટો વર્ગ ગરીબીમાંથી ઉપર આવશે અને મિડલ ક્લાસમાં જોડાશે. તેમના મતે 2024માં આ 11.3 કરોડ લોકોનો ઉમેરો થવાનો છે. આ ઉમેરો કરવામાં સૌથી મોખરે ભારત રહેશે. ત્યારબાદ ચીન અને એશિયાના અન્ય દેશો આવશે. જાણકારોના મતે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતું યુદ્ધ હજી કોઈ ઉકેલ તરફ ગયું નથી ત્યાં મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા સંઘર્ષે વિશ્વને ચિંતામાં લાવી દીધું છે. ઘણા દેશો હમાસ અને પેલેસ્ટાઈનને સાથ આપે છે અને તેમનું સમર્થન કરે છે તો બીજી તરફ ઘણા એવા દેશો છે ઈઝરાયેલનો સાથ આપે છે. આ આંતરરાષ્ટ્રીય રાજકારણ વચ્ચે આર્થિક સ્થિતિ પણ સમજવી અને જાણવી પડે તેવી છે. યુદ્ધોના આ જુવાળ અને ભારેલા અગ્નિને કાપુમાં નહીં કરવામાં આવે તો તેની લાંબીગાળે દેશ-દુનિયા ઉપર મોટી અસર થશે. આ અસરોને પરિણામે જ મિડલ ક્લાસમાં મોટાપાયે લોકો ઉમેરાતા જશે.
ભારતમાં 3.3 કરોડ લોકો મિડલ ક્લાસ કેટેગરીમાં ઉમેરાશે
વર્લ્ડ ડેટા લેબ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં બહાર આવ્યું છે કે, ભારતમાં 3.3 કરોડ લોકો અને ચીનમાં 3.1 કરોડ લોકો મિડલ ક્લાસ કેટેગરીમાં ઉમેરાશે. 2017માં કરવામાં આવેલા પર્ચેઝિંગ પાવર પેરિટીના આધારે મિડલ ક્લાસની ગણતરી કરવામાં આવી રહી છે. તેના આધારે એશિયામાં 9.1 કરોડ લોકો, આફ્રિકામાં 1 કરોડ લોકો, લેટિન અમેરિકામાં 60 લાખ લોકો અને બાકીના વિશ્વમાં 50 લાખ લોકો મિડલ ક્લાસમાં જોડાવાના છે. જે લોકોની રોજિંદા ધોરણે 12 ડોલર જેટલી રકમ ખર્ચવાની શક્તિ હોય તેમને મિડલ ક્લાસમાં ગણવામાં આવે છે.
શહેરીકરણ અને વસતી વધારો મદદગાર બની રહ્યા છે
જાણકારોના મતે શહેરીકરણ અને વસતી વધારો પણ આ દિશામાં મદદગાર સાબિત થઈ રહ્યો છે. શહેરીકરણમાં વેગ આવવાની સાથે જ લોકોનું શહેર તરફ ગમન વધ્યું છે. ગામડાઓમાંથી શહેર તરફ લોકોના સ્થળાંતરને પગલે શહેરોમાં વસતીમાં વધારો થયો છે. આ સિવાય ચીન અને ભારત જેવા દેશોની વસતી પણ સરેરાશ સતત વધતી આવી છે. તેમાંય ભારતમાં વસતીમાં મોટો વધારો જોવા મળ્યો છે. દેશોની વધતી વસતી મુદ્દે ભારતમાં યુવાનોની સંખ્યા વધુ છે અને તેના કારણે રોજગારી અને આવકના સ્રોત પણ વધારે શોધવામાં અને અમલમાં મુકવામાં આવી રહ્યા છે. આ કારણે યુવાનોનું શહેરોમાં માઈગ્રેશન થઈ રહ્યું છે અને વધુ સારા જીવન માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે.
2024માં ભારત અને ચીનની ભૂમિકા મોટી રહેશે
વર્લ્ડ ડેટા લેબ જણાવે છે કે, 2024માં ભારત અને ચીન સમગ્ર વિશ્વમાં સૌથી વધારે લોકો મિડલ ક્લાસમાં જોડનારા દેશ રહેવાના છે. અહીંયા વધી રહેલી વસતી, લોકોનું સુધરી રહેલું જીવનધોરણ, ગુણવત્તાસભર જીવન, આવકનો વધતો સ્રોત અને આવકનો વધતો દર તથા શહેરીકરણ જેવી બાબતો ચીન અને ભારતને મદદગાર સાબિત થઈ રહ્યા છે. આ જ દિશામાં એશિયામાંથી ઈન્ડોનેશિયા અને બાંગ્લાદેશ જેવા દેશો પણ જોડાવાના છે. આ બંને દેશો દ્વારા પણ અંદાજે 50-50 લાખ લોકોનો સમાવેશ મિડલ ક્લાસમાં થવાનો છે. અહીંયા પણ સરેરાશ યુવાન વસતી વધારે છે અને તેના કારણે લેબર ફોર્સમાં મોટી મદદ મળી રહી છે. આ જ દિશામાં વિયેતનામ, ફિલિપાઈન્સ અને થાઈલેન્ડ પણ આવવના છે. આ દેશોમાં પણ મિડલ ક્લાસની વસતીમાં ઝડપથી વધારો થવાનો છે.
આફ્રિકાનો વધતો જન્મદર લેને લાભ કરાવશે
આફ્રિકાની વાત કરીએ તો આ ક્ષેત્રમાં પણ ધીમે ધીમે વસતીમાં વધારો થઈ રહ્યો છે. તે ઉપરાંત જન્મદરનું પ્રમાણ સરેરાશ કરતા વધ્યું છે. અહીંયા યુવાનોની વસતી અને લેબર ફોર્સમાં વધારે થઈ રહ્યો છે. આફ્રિકામાંથી 2024માં 1 કરોડ લોકો મિડલ ક્લાસમાં જોડાશે તેવી આશા રાખવામાં આવી છે. બીજી તરફ ગોલ્ડ મેન સાસ દ્વારા થોડા સમય પહેલાં એક અહેવાલ જારી કરવામાં આવ્યો હતો જેમાં એવી ધારણા વ્યક્ત કરાઈ હતી કે, 2075 સુધીમાં ઈજિપ્ત અને નાઈજિરિયાની ઈકોનોમી ખૂૂબ જ મજબૂત થઈ જશે. તેઓ દુનિયાના પાંચમા અને આઠમા અર્થતંત્ર બની જશે. જાણકારોના મતે આફ્રિકાના દેશોમાં ઝડપથી થઈ રહેલો વિકાસ જ આ દેશોનો વૈશ્વિક પ્રગતિનો રોડમેપ બની રહેશે.
ભારતમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે
ડેટા લેબના જાણકારો માને છે કે, વિશ્વનું અર્થતંત્ર નવી દિશામાં અગ્રેસર થઈ રહ્યું છે. તેના કારણે આર્થિક રીતે વહેંચાતા લોકોમાં હવે એશિયા અને આફ્રિકામાં મિડલ ક્લાસમાં વધારો થઈ રહ્યો છે. જાણકારો માની રહ્યા છે કે, ભારતની આર્થિક ગતિ વધી છે અને તેમાં લોકોનું જીવનધોરણ પણ બદલાયું છે. લોકોની ખરીદ શક્તિ અને આવકમાં વધારો થયેલો નોંધાયો છે. તેના પરિણામે ગરીબીમાં રહેતા લોકો ઘટવા લાગ્યા છે. તેઓ ઝડપથી મિડલ ક્લાસમાં સમાવા તરફ આગળ વધી રહ્યા છે. જાણકારોના મતે 2024માં 3.3 કરોડ લોકો ભારતમાં મિડલ ક્લાસમાં આવી જશે જે મોટી બાબત છે. આ ઉપરાંત ચીનમાં પણ સ્થિતિ સુધરી રહી છે. આ સિવાય એશિયા અને આફ્રિકાના અન્ય દેશોના લોકો પણ ઝડપથી ગરીબીમાંથી ઉપર આવી રહ્યા છે અને મિડલ ક્લાસમાં જોડાઈ રહ્યા છે.
2047 સુધીમાં ભારતમાં મિડલ ક્લાસનો આંકડો ૧ અબજ થશે
થોડા સમય પહેલાં રજૂ થયેલા અન્ય એક અહેવાલે પણ જણાવ્યું હતું કે, ભારતમાં મિડલ ક્લાસની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ધ રાઈઝ ઓફ મિડલ ક્લાસ નામના અહેવાલમાં જણાવાયું હતું કે, 2020-21માં ભારતમાં મિડલ ક્લાસની સંખ્યા કુલ વસતીની ૩૧ ટકા છે જે 2046-47 દરમિયાન એટલે કે ભારતની આઝાદીના 100મા વર્ષે વધીને 61 ટકા થઈ જશે. 2047માં ભારતમાં મિડલ ક્લાસની સંખ્યા 1.02 અબજ થઈ જશે. હાલમાં મિડલ ક્લાસનો આંકડો અંદાજે 44 કરોડ છે. આ અહેવાલમાં જણાવાયું છે કે, સામાન્ય રીતે ભારતમાં વસતા લોકોમાં જેમની વાર્ષિક 1.5થી 6.5 લાખની આવક ધરાવતા લોકોનો મધ્યમ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જાણકારોએ જણાવ્યું કે, ધનિક વર્ગની આવકમાં તો તોતિંગ વધારો થયા જ કરે છે પણ મધ્યમ વર્ગની આવકમાં થઈ રહેલો ઝડપી વધારો ભારતના અર્થતંત્રને ઝડપ આપશે.
વર્ષિક 2 કરોડ કમાતા લોકોની સંખ્યા બમણી થઈ
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં ૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં વાર્ષિક ૨ કરોડ કમાતા લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. 2030 સુધીમાં તો આ વર્ગના લોકોની સંખ્યા પાંચ ગણી વધી જવાની છે. આ આર્થિક વૃદ્ધિમાં ગ્રામ્ય વિસ્તારોનું પણ યોગદાન વધારે રહ્યું છે. દેશના પૂર્વ વિસ્તારોની સરખામણીએ પશ્ચિમ વિસ્તારોમાં ધનિકોની સંખ્યા વધારે છે. પૂર્વ ભારતમાં 2 કરોડની વાર્ષિક આવક ધરાવતા લોકોની સંખ્યા અંદાજે 3.94 લાખ છે જ્યારે પશ્ચિમ ભારતમાં આ આંકડો બમણો એટલે કે 8.04 લાખ છે. દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 6.48 લાખ ધનિક પરિવારો છે. ત્યારબાદ દિલ્હીમાં 1.81 લાખ, ગુજરાતમાં 1.41 લાખ, તમિલનાડુમાં 1.37 લાખ અને પંજાબમાં 1.04 લાખ ધનિક પરિવારો છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં દેશના કુલ ધનિક પરિવારોમાંથી અડધા પરિવારો રહે છે. આ અહેવાલમાં જણાવાયું છે કે, મિડલ ક્લાસ અને રિચ ક્લાસના પરિવારોની આવક ગરીબ પરિવારોની આવકની સરખામણીએ અનુક્રમે 13 ગણી અને 50 ગણી વધારે છે.
ભારતમાં વ્યક્તિદીઠ આવક 2500 ડોલર છે
તાજેતરમાં આવેલા અન્ય એક આર્થિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં હાલમાં પ્રતિવ્યક્તિ આવક સરેરાશ 2500 ડોલર છે. ભારતીયોની વ્યક્તિદીઠ આવક ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 2 લાખ રૂપિયા થાય છે. આર્થિક સલાહકારોના મતે ભારતમાં મિડલ ક્લાસ જે ઝડપે વધી રહ્યો છે અને આવકના સ્રોત ઊભા થઈ રહ્યા છે તે આગામી બે દાયકામાં વ્યક્તિદીઠ આવકને મોટી છલાંગ આપશે. 2047 સુધીમાં ભારતી વ્યક્તિદીઠ આવક 12,400 ડોલર એટલે કે અંદાજે 15 લાખ રૂપિયા થવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. જાણકારો માને છે કે,2005માં ભારતમાં મિડલ ક્લાસની સંખ્યા માત્ર 14 ટકા હતી જે હવે ઝડપથી વધીને દેશની અડધા ઉપર જતી રહેશે.






Leave a comment