– અકસ્માતમાં ઘવાયેલા બાઈક સવારના ક્ષતિગ્રસ્ત પગનું પુનઃનિર્માણ અને ત્વચાની નિરૂપણ સર્જરી કરી હાલતો -ચાલતો કર્યો
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના સર્જરી વિભાગે એક માર્ગ અકસ્માતમાં બાઈક સવારના ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયેલા પગને કાપવાની નોબત આવે તે પહેલા રી -કન્સ્ટ્રકટીવ(પુનઃ નિર્માણ) ઓપરેશન અને ત્યાર પછી સ્કીન ગ્રાફ્ટિંગ(ત્વચા નિરૂપણ) કરી પગને હેમખેમ રાખવામાં સફળતા મળી હતી.
જી.કે.ના સર્જરી વિભાગના સર્જન ડો. આદિત્ય ડી. પટેલે કહ્યું કે, ઉત્તર પ્રદેશના મોહનલાલ નામના ૩૬ વર્ષના વ્યક્તિને ગાંધીધામ રેલવે ફાટક પાસે રોડ એક્સિડન્ટમાં પગની માંસપેશી અને હાડકાને જોડતા રેસા (મસલ્સ ટેન્ડન) અને રુધિરવાહિનીઓ એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે ખાનગી હોસ્પિટલમાં તો તેને પગ કાપવાની સલાહ આપવામાં આવતાં અકસ્માતગ્રસ્ત દર્દી તે જ રાત્રે જી.કે.માં આવ્યો જ્યાં સર્જનોએ તેની ગંભીરતા જોઈ સવારે ૪ વાગ્યે રી -કન્સ્ટ્રકટીવ સર્જરી કરી હતી.
અકસ્માત દરમિયાન મસલ્સ અને નસની આસપાસ ભરાયેલો કચરો નળી દ્વારા બહાર કાઢવામાં આવ્યો અને ત્યારબાદ ઓપરેશન કર્યા પછી સતત ૧૫ દિવસ સુધી ડ્રેસિંગ કરી પગના જેટલા ભાગની ચામડી ઉજરડાઈ ગઈ હતી તે દૂર કરી, તેટલી જ ચામડી શરીરના અન્ય ભાગમાંથી લઇ શસ્ત્રક્રિયા દ્વારા સ્કીન ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું અને પગને મૂળ સ્થિતિમાં લાવી દેવામાં આવ્યો.
આ ઓપરેશનમાં જોડાયેલા અન્ય તબીબો ડો. ઊર્વી હિતેશ અંટાલા, ડો. રાજ જયેશ પટેલ અને ડો. યસ આર. પટેલે કહ્યું કે અકસ્માતમાં ત્વચા છુંદાઈ હતી તેટલી તેને કાઢવી પડી. પરંતુ શરીરના આંતરિક ભાગને બહારના કચરાથી બચાવવા બીજી ત્વચાનું નિરૂપણ (ગ્રફ્ટિંગ)કરવું પડે છે એ માટે શરીરના અન્ય ભાગમાંથી ચામડી લઈ પગના ક્ષતિગ્રસ્ત વિભાગમાં ત્વચાનું નિરૂપણ કરવામાં આવ્યું. આજે એ દર્દી હાલી ચાલી શકે છે,એમ તબીબોએ ઉમેર્યું હતું.






Leave a comment