દેશનો જીડીપી 6.7 ટકાના અનુમાન સામે 7.6 ટકા નોંધાયો

– RBI અને નિષ્ણાતોના અનુમાન કરતાં અર્થતંત્રનું પ્રદર્શન સારું

ભારતીય અર્થતંત્રના મજબૂત પ્રદર્શનથી ચીનને માતઆપી છે. સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રનો ખિતાબ જાળવી રાખતા ભારતે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 7.6%નો વૃદ્ધિદર હાંસલ કર્યો છે. દેશનો આર્થિક વૃદ્ધિદર ગત વર્ષના 6.2%થી વધીને ચાલુ વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન 7.6% નોંધાયો છે. બીજી તરફ ચીનનો જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન આર્થિક વૃદ્ધિદર ઘટીને 4.9% રહ્યો હતો. રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) અનુસાર કૃષિ ક્ષેત્રમાં 1.2%નો વૃદ્ધિદર જોવા મળ્યો હતો, જે જુલાઇ-સપ્ટેમ્બર 2022-23ના ક્વાર્ટર દરમિયાન 2.5% રહ્યો હતો.

દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરે પણ મજબૂત પ્રદર્શન જાળવી રાખતા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર દરમિયાન 13.9%નો વૃદ્ધિદર નોંધાવ્યો છે. જેમાં ગત વર્ષે 3.8%નો ઘટાડો થયો હતો. વર્ષ 2023-24ના એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન દેશનો આર્થિક વૃદ્ધિદર 7.7% રહ્યો છે, જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન 9.5% રહ્યો હતો. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટર દરમિયાન જીડીપી ગ્રોથ 7.8% પર યથાવત્ રહ્યો હતો. રિયલ જીડીપી ગ્રોથ વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટર દરમિયાન 41.74 લાખ કરોડનું સ્તર હાંસલ કરશે. જ્યારે વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટર દરમિયાન તે રૂ.38.78 લાખ કરોડ હતું. જેમાં 7.6%ની વૃદ્ધિ નોંધાઇ છે.

RBIએ ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર દરમિયાન 6.5%નો રિયલ જીડીપી ગ્રોથ જાળવી રાખ્યો છે. RBIએ ત્રીજા ક્વાર્ટર અને ચોથા ક્વાર્ટર માટે અનુક્રમે 6 ટકા અને 5.7 ટકાના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન વ્યક્ત કર્યું છે. તાજેતરમાં ઔદ્યોગિક સંગઠન ફિક્કી દ્વારા કરવામાં આવેલા સરવે અનુસાર દેશનો આર્થિક વૃદ્ધિદર 6.3% રહેશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

નાણાવર્ષ 2023-24માં 6.3%ના આર્થિક વૃદ્ધિદરનો IMFનો અંદાજ

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ઓક્ટોબર દરમિયાન નાણાકીય વર્ષ 2023-24 માટે દેશના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ વધારીને 6.3% કર્યો હતો. એપ્રિલના રિપોર્ટથી તેમાં બીજી વાર વધારો કરવામાં આવ્યો હતો. આઇએમએફ દ્વારા મજબૂત વપરાશને કારણે વૃદ્ધિદરનું અનુમાન વધારવામાં આવ્યું હતું. IMFએ એપ્રિલના 5.9% અને જુલાઇના 6.1%થી હવે અનુમાન 6.3% કર્યું છે. નાણાકીય વર્ષ 2024-25 માટે પણ IMFએ 6.3%ના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ વ્યક્ત કર્યો છે.

Leave a comment

Trending